ચીનના ક્રાંતિકારી નેતા માઓ ત્સે તુંગના મૃત્યુનાં 50 વર્ષ : જેન ઝીમાં આજે પણ શા માટે છે તેમનું આકર્ષણ?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
- લેેખક, ચેન યાન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"મહાન લોકો ઘણા થઈ ગયા, પરંતુ શિક્ષક માત્ર એક જ છે."
ચીનના ઘણા યુવાનો દિવંગત ચીની નેતા માઓ ત્સે તુંગનો ઑનલાઇન ઉલ્લેખ આ રીતે કરે છે. તેઓ તેમને 'ટીચર' એટલે કે 'શિક્ષક' કહે છે.
વીડિયો પ્લૅટફૉર્મ બિલિબિલી પર 'માઓ ત્સે તુંગ' અથવા 'ટીચર' શોધતાં ડઝનેક વીડિયો મળી આવે છે. તેમાં ફિલ્મો અને ટીવી ધારાવાહિકોમાંથી લેવામાં આવેલા માઓનાં દૃશ્યોનું સંકલન હોય છે.
આ વીડિયોમાં માઓના જીવનના અલગ-અલગ તબક્કા દર્શાવવામાં આવે છે.
તેમાં તેમની યુવાની, સેના કમાન્ડર તરીકેની તેમની ભૂમિકા અને શીતયુદ્ધ દરમિયાન ચીન, અમેરિકા તથા સોવિયેત સંઘ વચ્ચેના સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નેતા તરીકેનો તેમનો સમયગાળો સામેલ છે.
આમાંથી ઘણા વીડિયો લાખો વખત જોવાયા છે. તેના પર હજારો ટિપ્પણી પણ આવી છે, જેમાં 'મહાન વ્યક્તિ અમર રહો' જેવી પ્રશંસા જોવા મળે છે.
બિલિબિલીના મોટા ભાગના યૂઝર્સ યુવાનો છે. તેના લગભગ 60 ટકા યૂઝર્સની ઉંમર 18થી 24 વર્ષની વચ્ચે છે.
માઓનું અવસાન 9 સપ્ટેમ્બર, 1976ના રોજ થયું હતું. માઓના મૃત્યુનાં 50 વર્ષ બાદ પણ તેઓ ચીનની યુવા સંસ્કૃતિમાં આટલા લોકપ્રિય કેમ બન્યા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
20મી સદીના ચીનના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતા
20મી સદીના ચીનના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતા તરીકે માઓ ત્સે તુંગે કૉમ્યુનિસ્ટ પાર્ટી અને દેશ, બંનેનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે 1949માં જનવાદી ગણરાજ્ય ચીનની સ્થાપના થઈ ત્યારથી લઈને 1976માં તેમના મૃત્યુ સુધી શાસન કર્યું. ગ્રેટ લીપ ફૉરવર્ડ અને સાંસ્કૃતિક ક્રાંતિ જેવાં અભિયાન દરમિયાન પણ તેમણે ચીનનું નેતૃત્વ કર્યું હતું.
આ અભિયાનોએ દેશની અર્થવ્યવસ્થા અને સમાજમાં મોટા ફેરફારો કર્યા, પરંતુ તેની કિંમત લાખો લોકોના મૃત્યુરૂપે ચૂકવવી પડી.
આજે માઓ પ્રત્યે આકર્ષણ અનુભવનારાઓમાં નાનજિંગ શહેરના વિદ્યાર્થી ડૉંગ પણ સામેલ છે. તેઓ ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કરવાના છે.
તાજેતરમાં એક વીડિયો જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા.
આ વીડિયોમાં બે યુવતી ચાંગશાના ઑરેન્જ આઇલૅન્ડ પર યુવાન માઓની વિશાળ પ્રતિમા સામે દેશભક્તિનું ગીત ગાઈ રહી હતી.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉંગે બીબીસીને કહ્યું, "તેમણે એટલી લાગણીપૂર્વક ગાયું હતું અને પ્રતિમા પણ એટલી ઊંચી છે, જેમાં માઓનું યુવાનીનું રૂપ જોવા મળે છે. એ જોઈને હું અચાનક ખૂબ ભાવુક થઈ ગયો."
તેમના ઘણા સહપાઠીઓ વર્તમાન બાબતો અંગે ચર્ચા કરતા ઑનલાઇન યુવા સમુદાયોમાં ભાગ લે છે. તેમને સામાન્ય રીતે "કીબોર્ડ પૉલિટિક્સ સર્કલ" કહેવામાં આવે છે.
આ વલણનો બીજો સંકેત એ છે કે વર્ષ 2019માં માઓના ગ્રંથસંગ્રહમાંથી એક પુસ્તક ત્સિંગહુઆ યુનિવર્સિટીમાં સૌથી વધુ વખત ઇસ્યૂ કરાયેલું પુસ્તક બન્યું હતું.
"સિલેક્ટેડ વર્ક્સ ઑફ માઓ ત્સે તુંગ" નામનું આ પુસ્તક વર્ષ 2025 સુધી યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી સૌથી વધુ વખત વાંચવા માટે લેવાયેલું પુસ્તક રહ્યું હતું.
નોંધપાત્ર વાત એ છે કે આજના યુવાનોની માઓમાં રહેલી રુચિ તેમનાં માતાપિતાની પેઢીની માઓ વિશેની માન્યતાથી અલગ છે.
વર્ષ 1981માં ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ દેંગ શિયાઓપિંગના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલા એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
આ પ્રસ્તાવમાં માઓનું સત્તાવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સિદ્ધિઓ અને ભૂલો, બંનેને સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યાં હતાં.
તેને ઘણી વાર સંક્ષેપમાં "70 ટકા સિદ્ધિઓ અને 30 ટકા ભૂલો" તરીકે રજૂ કરવામાં આવે છે.
ચીનના કૉમ્યુનિસ્ટ નેતા દેંગ શિયાઓપિંગ અને ત્યાર પછી જિયાંગ ઝેમિનના સમયગાળામાં રેલવે સ્ટેશનો, જાહેર ચોક અને વર્ગખંડોમાંથી માઓનાં ચિત્રો ધીમે-ધીમે અદૃશ્ય થવા લાગ્યાં.
લોકો માઓને 'દેવતા'ને બદલે એક 'ઐતિહાસિક વ્યક્તિ' તરીકે જોવા લાગ્યા. લોકો તેમને પણ પોતાની મર્યાદાઓ ધરાવતા એક 'સામાન્ય માનવી' તરીકે જોવા લાગ્યા.
બીજી તરફ, દેંગ નવા આર્થિક યુગના પ્રતીક બની ગયા. આ કાર્યક્રમનો હેતુ દેશમાં બજાર આધારિત અર્થવ્યવસ્થા ઊભી કરવાનો અને તેને દુનિયા માટે ખુલ્લી મૂકવાનો હતો.
ચીનના યુવાનો માટે 'શિક્ષક'

ઇમેજ સ્રોત, History/Universal Images Group via Getty Images
જોકે, આજે માઓ ફરી એક વાર ચીનના યુવાનો માટે પ્રસ્તુત બન્યા છે.
ડૉંગ સહિત ઘણા યુવાનો માઓને તેમના નામથી ભાગ્યે જ બોલાવે છે. તેઓ તેમને "ટીચર" કહીને સંબોધે છે.
આ સંબોધન પાછળ એક ખાસ પૃષ્ઠભૂમિ છે.
કહેવાય છે કે વર્ષ 1970માં અમેરિકન પત્રકાર ઍડગર સ્નો સાથેની એક મુલાકાત દરમિયાન માઓએ કહ્યું હતું કે તેમને "મહાન શિક્ષક, મહાન નેતા, મહાન કમાન્ડર અને મહાન માર્ગદર્શક" જેવા ખિતાબ પસંદ નથી.
સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન માઓને આ ચારેય રીતે મહાન ગણાવતું એક રાજકીય સૂત્ર પ્રચલિત હતું.
માઓએ કહ્યું હતું, "હવે માત્ર એક જ બાકી છે... શિક્ષક. કારણ કે હું હંમેશાં એક શિક્ષક રહ્યો છું."
ડૉંગ અને તેમના સહપાઠીઓ માઓ વિશે ખુલ્લેઆમ અને વિગતવાર ચર્ચા કરે છે.
પરંતુ ચીનના વર્તમાન નેતા શી જિનપિંગની વાત આવે, ત્યારે ડૉંગને લાગે છે કે "આ ખરેખર એવો વિષય નથી, જેના પર ખુલ્લેઆમ ચર્ચા કરી શકાય."
'મર્કેટર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ચાઇના સ્ટડીઝ'ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીનના ઑનલાઇન ક્ષેત્રમાં હજુ પણ અમુક અંશે જાહેર ચર્ચા માટે અવકાશ છે.
પરંતુ જે મુદ્દાઓ સીધી રીતે ટોચના નેતૃત્વ સાથે સંકળાયેલા હોય છે, તેનાથી ઘણી વાર જાણીજોઈને દૂર રહેવામાં આવે છે.
અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે "ચર્ચા માટેનો આ મર્યાદિત અને નાજુક અવકાશ" સેન્સરશિપ અને સ્વ-સેન્સરશિપ, બંનેનું પરિણામ છે.
'માત્ર જૂની યાદોનું આકર્ષણ નથી'
કેટલાક નિષ્ણાતોના મતે, આજે કેટલાક યુવાનોમાં માઓ પ્રત્યે વધી રહેલી રુચિ માત્ર ભૂતકાળ પ્રત્યેના લગાવનું પરિણામ નથી.
સંપત્તિની અસમાનતા અને સામાજિક પ્રગતિની ઘટી રહેલી તકો જેવી સમસ્યાઓ અંગેની તેમની વિચારસરણી સાથે પણ તે જોડાયેલી છે.
લાઇડન યુનિવર્સિટીના પ્રોફેસર ફ્લોરિયન શ્નાઇડરે લાંબા સમયથી ચીની યુવાનોની રાજકીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે આજના યુવાનો અગાઉની પેઢીઓ કરતાં સાવ અલગ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.
તેમનાં માતાપિતા એવા સમયમાં જીવ્યાં હતાં, જ્યારે આર્થિક વિકાસને કારણે લગભગ દરેક વ્યક્તિના જીવનધોરણમાં સુધારો થતો જોવા મળતો હતો.
પરંતુ આજે ઘણા યુવાનોને લાગે છે કે દેંગ શિયાઓપિંગના સુધારાઓ થકી જે પ્રગતિનું વચન આપવામાં આવ્યું હતું, તેનો લાભ તેમને મળ્યો નથી.
ચીનના રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર બ્યૂરોના તાજેતરના આંકડા અનુસાર, જુલાઈ 2026માં 16થી 24 વર્ષની વયના બિન-વિદ્યાર્થી શહેરી યુવાનોમાં બેરોજગારીનો દર 17.9 ટકા હતો. ત્રણ વર્ષ પહેલાં આંકડાકીય પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા બાદનો આ સૌથી ઊંચો બેરોજગારી દર છે.
યુવાનોની રોજિંદી ભાષામાં પણ કેટલાક નવા શબ્દો જોડાઈ ગયા છે.
'996'નો અર્થ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અઠવાડિયામાં છ દિવસ કામ કરવાનો છે.
ઘણા યુવાનો હવે 'લાઇ ફ્લૅટ' એટલે કે નિષ્ક્રિય રહેવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
તેઓ 'ઇનવોલ્યુશન'ની સતત ચાલતી હરીફાઈમાં ફસાવા માગતા નથી. તેમાં વ્યક્તિએ માત્ર પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે પણ અગાઉ કરતાં વધુ મહેનત કરવી પડે છે.

ઇમેજ સ્રોત, MAGWIN/Moment via Getty Images
આ પૃષ્ઠભૂમિમાં મૂડીવાદની માઓની ટીકા કેટલાક યુવાનોને પ્રભાવિત કરે છે.
શ્નાઇડર કહે છે કે કેટલાક યુવાનો 'રાજ્ય પર મૂડીના વર્ચસ્વ' અંગેના પોતાના અસંતોષને વ્યક્ત કરવા માટે માઓના વિચારોનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક અન્ય લોકો માઓનાં લખાણોને જીવનના વિરોધાભાસોને સમજવા અને તેમનો સામનો કરવા માટેની માર્ગદર્શિકા તરીકે જુએ છે.
ડૉંગ પણ કંઈક આવું જ વિચારે છે.
તેઓ કહે છે, "અમારી પેઢીને બાળપણથી શીખવવામાં આવ્યું હતું કે સખત મહેનતનું ફળ મળે છે, પરંતુ અમે ખરેખર મોટા થયા ત્યારે ખબર પડી કે નોકરી મેળવવી એટલી સરળ નથી અને ઘર ખરીદવું અમારી પહોંચની બહાર છે."
તેઓ આગળ કહે છે કે માઓની ભાષા સીધી અને સ્પષ્ટ છે. તે લોકોને અલગ-અલગ વર્ગોમાં વહેંચે છે.
"તે તમને સ્પષ્ટપણે જણાવે છે કે દમન કરનાર કોણ છે અને દમનનો ભોગ બનનાર કોણ છે. આ સરળ માળખું આર્થિક પરિભાષાની સરખામણીએ સમજવું વધુ સરળ છે."
શ્નાઇડર કહે છે, "માઓનું પુનરાગમન માત્ર જૂની યાદોનું પરિણામ નથી. તે દર્શાવે છે કે યુવાનો પોતાની અસમાનતા અને અસુરક્ષાના અનુભવોને સમજવા અને વ્યક્ત કરવા માટે ઇતિહાસમાંથી મળેલી પરિચિત ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે."
રાજકીય ઊર્જા
ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)નું માઓ અંગેનું સત્તાવાર મૂલ્યાંકન હજુ પણ વર્ષ 1981ના પ્રસ્તાવ પર આધારિત છે. એ મુજબ, માઓની સિદ્ધિઓ મુખ્ય છે, જ્યારે તેમની ભૂલો ગૌણ છે.
વર્ષ 2021માં મંજૂર કરવામાં આવેલા પાર્ટીના ત્રીજા ઐતિહાસિક પ્રસ્તાવમાં 'ચીની રાષ્ટ્રના મહાન પુનર્જાગરણ'ને તેની વિચારધારાના કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.
આ માળખામાં માઓની ક્રાંતિને ઘણી વાર એ સમયગાળા તરીકે જોવામાં આવે છે, જ્યારે ચીન 'પોતાના પગ પર ઊભું થયું'.
આ જ સમયગાળામાં જનવાદી ગણરાજ્ય ચીનની સ્થાપના થઈ, રાષ્ટ્રીય સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય પુનર્જાગરણનો પાયો નાખવામાં આવ્યો.
આથી માઓ કેવળ એવું ઐતિહાસિક વ્યક્તિત્વ નથી, જેમની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓનું મૂલ્યાંકન કરવાનું હોય. તેમને આજે ચીનની રાષ્ટ્રીય શક્તિ અંગેની વિચારસરણી ઘડનારા એક સ્રોત તરીકે પણ રજૂ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
શ્નાઇડરનું માનવું છે કે 'આજે માઓની વધી રહેલી લોકપ્રિયતા માટે પાર્ટીની શૈક્ષણિક નીતિઓ ઓછામાં ઓછા અમુક અંશે જવાબદાર છે. ઘણા યુવાનો માટે માઓનું ચીન એવી છબી ધરાવે છે, જેમાં આ મહાન નેતા નિર્વિવાદ નાયક તરીકે જોવા મળે છે. તેમની દલીલ છે કે ઘણા યુવાનો ગ્રેટ લીપ ફૉરવર્ડ અને સાંસ્કૃતિક ક્રાંતિની વિનાશક વાસ્તવિકતાઓથી પરિચિત નથી. અથવા તો આ ઘટનાઓમાં માઓની ભૂમિકા અંગેની તેમની સમજ વિકૃત છે.
શ્નાઇડર ચેતવણી આપે છે કે માઓ પ્રત્યેની આ લોકપ્રિય પ્રશંસામાં પહેલી નજરે દેખાય તેના કરતાં ઘણી વધારે રાજકીય ઊર્જા રહેલી છે.
તેઓ કહે છે, "આ સંભવિત રીતે વિસ્ફોટક સ્થિતિ છે, કારણ કે સામાન્ય લોકોમાંથી ઊભરી રહેલી આ માઓ સમર્થક સંસ્કૃતિ સ્પષ્ટપણે જનવાદી સ્વરૂપ ધરાવે છે. જરૂરી નથી કે એ ફક્ત આજની શાસનવ્યવસ્થા પર સવાલ ઉઠાવવા પૂરતી જ મર્યાદિત રહે."
આની સરખામણી તેઓ ચીનમાં રાષ્ટ્રવાદી લાગણીઓનાં વિવિધ અભિવ્યક્તિ સ્વરૂપો સાથે કરે છે.
તેઓ કહે છે, "આવી જનવાદી લાગણીઓ પર અમુક અંશે સેન્સરશિપ લાદી શકાય છે, પરંતુ તેમને સંપૂર્ણપણે નિયંત્રિત કરવી અત્યંત મુશ્કેલ છે."
ડૉંગ અને તેમની પેઢીના લોકો માટે હાલનો 'માઓ ક્રેઝ' કદાચ હજુ ઝટ પૂરો થવાનો નથી.
આ વલણ ઇન્ટરનેટ સંસ્કૃતિ પૂરતું મર્યાદિત રહેશે કે પછી આગળ જતાં વધુ કાયમી રાજકીય ઓળખના સ્વરૂપમાં વિકસશે, તે હજુ જોવાનું બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























