'સાઉદી અરેબિયાની હૂતીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની માંગ ટ્રમ્પે નકારી', એક અહેવાલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Artur Widak/NurPhoto via Getty Images
અમેરિકાની સમાચાર વેબસાઇટ ઍક્સિઓસે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત ટેલિફોન પર વાતચીત કરી હતી.
અહેવાલ અનુસાર, ક્રાઉન પ્રિન્સે યમનમાં હૂતી બળવાખોરો સામે સૈન્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી, પરંતુ ટ્રમ્પે આ માંગ નકારી કાઢી હતી.
આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે યમનમાં સંઘર્ષ ફરી એકવાર વધ્યો છે. શનિવારે સાઉદી અરેબિયા સમર્થિત યમનનાં સરકારી સૈન્યદળોએ દાવો કર્યો હતો કે તેમણે લાલ સમુદ્રના તટીય શહેર મોક્હા આસપાસ હૂતી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં.
ગયા કેટલાક દિવસોમાં હૂતી બળવાખોરોએ યમનના લાલ સમુદ્ર કિનારાના અનેક વિસ્તારો પર કબજો મેળવી લીધો છે. તેમણે બાબ અલ-મંદેબ જળમાર્ગ પર પણ પોતાની પકડ મજબૂત કરવાનો દાવો કર્યો છે.
સાથે જ હૂતીઓએ એવી જાહેરાત પણ કરી છે કે તેમણે લાલ સમુદ્રમાં આવેલા સાઉદી અરેબિયાનાં બંદરોની નૌકાદળ દ્વારા નાકાબંધી કરી દીધી છે.
બીજી તરફ, શનિવારે રાત્રે સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે હૂતીઓ દ્વારા છોડવામાં આવેલું એક પ્રોજેક્ટાઇલ સરહદ નજીકના વિસ્તારમાં પડ્યું હતું. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક મસ્જિદ, અનેક ઇમારતો અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
મહિલા એશિયા કપ 2026 : ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મૅચ આજે, આટલા વાગ્યે શરૂ થશે મૅચ

ઇમેજ સ્રોત, Sameera Peiris/Getty Images
મહિલા એશિયા કપ 2026નો ફાઇનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે (13 સપ્ટેમ્બર) દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યેથી શરૂ થશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રૂપ Aમાં છ અંક સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
આ દરમિયાન ટીમે પાકિસ્તાન સામે પણ જીત નોંધાવી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમ ટી-20 ક્રિકેટમાં પોતાના સૌથી ઓછા સ્કોર (55 રન) પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
જ્યારે, શ્રીલંકાએ સતત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દુબઈમાં શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું.
આ પહેલાં ભારતે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બંને ટીમોની નજર ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે.
મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમે બ્રિક્સ ડિનર દરમિયાન ગાયા કિશોરકુમાર અને મુકેશનાં ગીતો

ઇમેજ સ્રોત, Kazuhiro NOGI / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે શનિવારે નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ ડિનર દરમિયાન હિંદી ફિલ્મોનાં બે પ્રસિદ્ધ ગીતો ગાયા. તેમનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અનવર ઇબ્રાહિમ પિયાનોની ધૂન પર કિશોરકુમારનું પ્રસિદ્ધ ગીત 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' અને મુકેશનું ગીત 'દોસ્ત દોસ્ત ના રહા' ગાતા જોવા મળી રહ્યા છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં તેઓ બંને ગીતોના કેટલાક અંતરા ગાતા દેખાય છે.
અનવર ઇબ્રાહિમે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર શૅર કર્યો છે. વીડિયો સાથે તેમણે લખ્યું, "ગુરુ, થોડુંક ગાવાની પરવાનગી છે?"
કિશોરકુમારનું 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' ગીત 1965માં રિલીઝ થયેલી ફિલ્મ 'તીન દેવિયાં'નું છે. જ્યારે મુકેશના અવાજમાં લોકપ્રિય બનેલું 'દોસ્ત દોસ્ત ના રહા' 1964માં રિલીઝ થયેલી ફિલ્મ 'સંગમ'નું ગીત છે.
આ પહેલાં ફેબ્રુઆરી 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા યાત્રા દરમિયાન અનવર ઇબ્રાહિમે એક સત્તાવાર વીડિયો મૉન્ટેજ શૅર કર્યો હતો. તેમાં ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નું લોકપ્રિય ગીત 'બોલે ચૂડિયાં' ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
અનવર ઇબ્રાહિમ મલેશિયાના 10મા વડા પ્રધાન છે. તેમણે 24 નવેમ્બર 2022ના રોજ વડા પ્રધાનપદની જવાબદારી સંભાળી હતી. આ પહેલાં તેઓ 1993માં મલેશિયાના 7મા નાયબ વડા પ્રધાન બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























