નાળિયેરનું પાણી દરરોજ પીવું સલામત છે? કોણે ન પીવું જોઈએ

ઇમેજ સ્રોત, David Talukdar/NurPhoto via Getty Images
- લેેખક, મોહન
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઋતુ કોઈ પણ હોય, શરીરમાં પાણીની ઊણપ ઝડપથી પૂરી કરવા માટે કે બીમારીમાં મોટા ભાગના લોકોની પસંદગી નાળિયેરનું પાણી હોય છે. આજકાલ તો બૉટલમાં પણ 'ફ્રેશ કોકોનટ વૉટર' ઉપલબ્ધ હોય છે.
નાળિયેરની કુદરતી મીઠાશ નાનાંથી લઈને મોટાં સુધીનાં સૌને ગમે છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે, એવું ડૉક્ટરો માનતા હોવા છતાં, એક ચોક્કસ વર્ગના લોકોએ તે પીવાનું ટાળવું જોઈએ, એવી ચેતવણી તબીબી નિષ્ણાતો પણ આપે છે.
નાળિયેરના પાણીથી ખરેખર કયા સ્વાસ્થ્યલાભ થાય છે? કોણે તે બિલકુલ ન પીવું જોઈએ, તે અંગેની મહત્ત્વની માહિતી આ લેખ દ્વારા જાણીએ.
ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં નાળિયેરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. વિશ્વભરના કુલ નાળિયેર ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે હોવાની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. દેશભરમાં 1 કરોડ ખેડૂતો સહિત કુલ 3 કરોડ લોકોની આજીવિકા આ કામ પર નિર્ભર છે.
આહારનિષ્ણાત રેશ્મા અલીમના મતે, નાળિયેરનું પાણી એટલે કુદરતે આપેલું એક કુદરતી 'ઇલેક્ટ્રોલાઇટ'. અન્ય ફળોના રસની સરખામણીએ નાળિયેરના પાણીમાં કૅલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, એમ પણ તેઓ કહે છે.
નાળિયેરના પાણીમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને ખાંડનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. એક ઇલેક્ટ્રોલાઇટમાં જે ગુણધર્મો હોવા જોઈએ, તે બધા નાળિયેરના પાણીમાં કુદરતી રીતે જ રહેલા હોય છે.
"આ પાણી શરીરને તાજગીભર્યું રાખે છે અને ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ થવા દેતું નથી. તેથી અન્ય કોઈ પણ પીણાં કરતાં નાળિયેરનું પાણી પસંદ કરવું એકોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ જ ઉત્તમ રહે છે.
રેશ્મા અલીમ જણાવે છે કે, "કેટલાંક ઇલેક્ટ્રોલાઇટ પીણાંમાં પોટેશિયમ અને મીઠાનું પ્રમાણ વધારે હોય છે. ખૂબ શારીરિક મહેનત કરતા લોકો માટે જ આવાં પીણાં ફાયદાકારક રહે છે. તેથી દરેક વ્યક્તિને આવાં ઇલેક્ટ્રોલાઇટ પીણાંની જરૂર હોતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લીલા નાળિયેરના પાણી અને સૂકાયેલા નાળિયેરના પાણીમાં શું તફાવત હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાળિયેરના પાણીમાં પોટેશિયમ, સોડિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ઝિંક અને આયર્ન જેવાં અનેક મહત્ત્વના ઘટકો હોય છે, જેમાં પોટેશિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. અમેરિકાના કૃષિ વિભાગની માહિતી અનુસાર, દર 100 ગ્રામ નાળિયેરના પાણીમાં 250 મિલિગ્રામ જેટલું પોટેશિયમ અને 100 મિલિગ્રામ સોડિયમ હોય છે.
અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, નાળિયેરના પાણીમાં લગભગ 95.5 ટકા પાણી, 0.1 ટકા ફૅટ્સ, 4 ટકા કાર્બોહાઇડ્રેટ્સ, 0.02 ટકા કૅલ્શિયમ અને 0.01 ટકા ફૉસ્ફરસ હોય છે.
ઉપરાંત, તેમાં કેટલાક એમિનો ઍસિડ્સ, વિટામિન બી-કૉમ્પ્લેક્સ, વિટામિન સી અને જરૂરી ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત, નાળિયેરના પાણીમાં કુદરતી રીતે જ વનસ્પતિજન્ય અનેક ગુણકારી પોષક તત્ત્વો રહેલાં હોય છે, એમ પણ આ અભ્યાસ જણાવે છે.
અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે નાળિયેર જેમ જેમ સૂકાતું જાય છે, તેમ તેમ તેમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટે છે અને એ પાણીના રાસાયણિક ઘટકોમાં પણ ફેરફાર થાય છે. એટલે કે, પાણીમાં ઓગળેલા કુલ ઘન પદાર્થો, ખનિજો અને અન્ય તત્ત્વોનું પ્રમાણ ઘટે છે. તેનાથી વિપરીત, ફૅટ્સ અને પ્રોટીનનું પ્રમાણ વધવા લાગે છે.
નાળિયેરનું પાણી પીતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
નાળિયેરના પાણીમાં ફૅટ્સ અને પ્રોટીનનું પ્રમાણ નહિવત્ હોય છે.
જ્યારે કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. તેથી ખેલાડીઓ માટે અને શરીરમાં પાણીનું પ્રમાણ ફરી સામાન્ય કરવા માટે તેને શ્રેષ્ઠ કુદરતી સ્પોર્ટ્સ ડ્રિંક માનવામાં આવે છે.
એક સંશોધન અનુસાર, યોગ્ય પ્રમાણમાં નાળિયેરનું પાણી પીવાથી શરીરમાંથી ઘટી ગયેલા જરૂરી સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપ પૂરી કરવામાં ઘણી મદદ મળે છે.
કસરત કરતા લોકો માટે ફક્ત નાળિયેરનું પાણી પૂરતું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રેશ્મા અલીમ જણાવે છે કે મૅરેથોન દોડતા અથવા જિમમાં ખૂબ સખત કસરત કરતા લોકોના શરીરમાંથી પોષક તત્ત્વો ઝડપથી ઘટે છે.
તેઓ કહે છે, "આવા લોકોને પોટેશિયમ જેવા પોષક તત્ત્વોની વધુ જરૂર પડે છે. તેથી આ ખનિજોનું પ્રમાણ જાળવવામાં મદદ કરતાં ખાસ સ્પોર્ટ્સ ડ્રિંક્સ પીવાં જરૂરી હોય છે."
"નાળિયેરનું પાણી શરીર માટે ખૂબ પૌષ્ટિક હોવા છતાં, ખૂબ કસરત કરતા લોકો માટે ફક્ત એટલું જ પૂરતું ન પણ હોય."
"તેથી પોતાની કસરતની તીવ્રતા અને શરીરની ચોક્કસ જરૂરિયાતને સમજીને નાળિયેરના પાણી ઉપરાંત અન્ય પૌષ્ટિક પીણાંનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ."
નાળિયેરના પાણીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે?
રેશ્મા અલીમ જણાવે છે કે નાળિયેરના પાણીમાં કુદરતી રીતે જ મીઠાશ હોય છે, તેમ છતાં બજારમાં મળતાં પદાર્થોમાં ઉપરથી ઉમેરવામાં આવતી ખાંડ કરતાં આ ખાંડ સંપૂર્ણપણે અલગ હોય છે.
તેઓ કહે છે, "નાળિયેરના પાણીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેથી લોહીમાં રહેલી ખાંડનું પ્રમાણ એકાએક વધી જશે એવી જરાય ચિંતા કરવાની જરૂર નથી."
રેશ્મા અલીમે જણાવ્યું કે, "નાળિયેરના પાણીના વિવિધ પ્રકારો હોય છે. નાળિયેરના ગુણધર્મો અનુસાર, ઉપરથી કોઈ પણ ખાંડ ઉમેર્યા વિના 240 મિલી નાળિયેરના પાણીમાં સામાન્ય રીતે 9થી 10 ગ્રામ ખાંડ હોય છે."
આવી સ્થિતિમાં ડાયાબિટીસ ધરાવતા લોકોએ નાળિયેરનું પાણી પીવું કે નહીં, એવો પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે થાય છે.
આ અંગે વિગતવાર વાત કરતાં રેશ્મા અલીમ કહે છે, "ડાયાબિટીસ ધરાવતા લોકોએ ખાંડ બિલકુલ જ ન ખાવી એવો કોઈ નિયમ નથી. તેઓ પોતાના આહારમાં 5 ટકા સુધી ખાંડ લઈ શકે છે."
"પરંતુ તેના પર નિયંત્રણ હોવું અત્યંત જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ એક સમયે આશરે 100 મિલી સુધી નાળિયેરનું પાણી પી શકે છે. જોકે, દરેક વ્યક્તિના લોહીમાં રહેલી ખાંડનું પ્રમાણ કેટલું છે તેના પર આ બાબત આધાર રાખે છે."
"જેમની ખાંડનું પ્રમાણ સતત ઘણું વધારે રહેતું હોય, તેમણે નાળિયેરનું પાણી ન પીવું જ વધુ હિતાવહ રહેશે."
નાળિયેરનું પાણી દરરોજ પીવું જોઈએ? કોણે તે પીવાનું ટાળવું જોઈએ?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
એક સંશોધન અનુસાર, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, કિડનીની બીમારી ધરાવતા લોકો અને પોટેશિયમ વધારતી દવાઓ લેતા લોકોને 'હાઇપરકેલેમિયા'નો (લોહીમાં પોટેશિયમનું પ્રમાણ અચાનક વધી જવાનો) મોટો ખતરો હોય છે. તેથી આવા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
રેશ્મા અલીમ સ્પષ્ટ કરે છે કે તેથી આવા લોકોએ નાળિયેરનું પાણી વધુ પડતું પીવાનું ચુસ્તપણે ટાળવું જોઈએ.
તેઓ આગળ જણાવે છે, "જેમની તબિયત એકદમ સારી છે, તેઓ દરરોજ નિયમિતપણે યોગ્ય પ્રમાણમાં નાળિયેરનું પાણી ચોક્કસ પી શકે છે."
" પરંતુ જેમને કિડનીની લાંબા સમયથી ચાલતી બીમારી છે, હૃદયને લગતી તકલીફો છે અથવા જેમની દવાઓને કારણે પોટેશિયમ વધવાની શક્યતા હોય, તેમણે નાળિયેરનું પાણી પીવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ."
નાળિયેરના પાણી અને નાળિયેરના દૂધમાં રહેલાં પોષક તત્ત્વોમાં શો તફાવત છે?
દક્ષિણ ભારતમાં ભોજન સાથે નાળિયેરનું દૂધ પીવાની અથવા તેનો ભોજનમાં ઉપયોગ કરવાની પરંપરા ઘણા સમયથી છે. કોંકણમાં પણ નાળિયેરના દૂધમાંથી બનતી સોલકઢી ઘણાને પસંદ છે.
જોકે, નાળિયેરનું પાણી અને નાળિયેરનું દૂધ, આ બંનેમાં પોષણની દૃષ્ટિએ મોટો તફાવત હોય છે, એવું અનેક અભ્યાસોમાંથી સ્પષ્ટ થયું છે. 'હેલ્થલાઇન' નામના આરોગ્ય સામયિકે આપેલી માહિતી અનુસાર, નાળિયેરના દૂધમાં કેલરી, કાર્બ્સ અને ફૅટ્સનું પ્રમાણ નાળિયેરના પાણીની સરખામણીએ અનેકગણું વધારે હોય છે.
"બંનેમાં મૂળભૂત તફાવત છે. નાળિયેરનું પાણી મૂળભૂત રીતે પાણી જ હોવાથી તેમાં પ્રોટીન અને ફૅટ્સનું પ્રમાણ નહિવત્ હોય છે."
રેશ્મા અલીમ કહે છે કે, "પરંતુ નાળિયેરનું દૂધ તેનાથી તદ્દન વિપરીત હોય છે. તેમાં પ્રોટીન, ફૅટ્સ અને કેલરીનું પ્રમાણ વધારે હોય છે. તેથી નાળિયેરના દૂધનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ."
તાજા નાળિયેરના પાણી અને પૅક કરેલા નાળિયેરના પાણીમાં રહેલાં પોષક તત્ત્વોમાં તફાવત હોય છે?
રેશ્મા અલીમ કહે છે કે, કોઈ પણ પીણાં પર પ્રક્રિયા કરીને તેને પૅક કરવામાં આવે ત્યારે તેમાં રહેલું કુદરતી પોટેશિયમ ઘણા પ્રમાણમાં નષ્ટ થઈ જાય છે અને તેને ટકાવી રાખવા માટે તેમાં અન્ય ઘટકો ઉમેરવામાં આવે છે.
તેઓ કહે છે, "આવું પૅક કરેલું પાણી માત્ર ફ્લેવર ઉમેરેલું એક કૃત્રિમ પીણું બની જાય છે. તેથી તેમાં રહેલા મૂળ પોષક તત્ત્વોમાં ઘણો ફેરફાર આવી જાય છે. તે ખરીદતી વખતે પૅકેટ પર લખાયેલાં ઘટકો હંમેશાં વાંચવા જોઈએ. તેથી શરીરને કુદરતી પોષણ મળે તે માટે નાળિયેરનું પૅક કરેલું પાણી ટાળવું જ સૌથી સારું છે."
(આ લેખ માત્ર માહિતી માટે છે. આરોગ્યને લગતી સમસ્યાઓ હોય તો તમારા ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























