ગુજરાતનાં શહેરો વારંવાર ચોમાસામાં કેમ પાણીમાં ડૂબી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારે વરસાદને કારણે શુક્રવારે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલ અને ઘુમામાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં અને રસ્તાઓ જાણે નદીઓ હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. બે દિવસ અગાઉ સુરતના કેટલાક વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ હતી.
સુરતમાં આ વર્ષે જુલાઈના બીજા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદને પગલે લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
વડોદરામાં 2024માં પૂર આવતાં ભારે તારાજી સર્જાઈ હતી. તે વર્ષે કચ્છ જિલ્લાનું માંડવી શહેર પણ પૂરનો શિકાર બન્યું હતું અને લગભગ એક અઠવાડિયા સુધી પૂરના પાણી ઓસર્યાં ન હતાં. તાજેતરનાં વર્ષોમાં ગુજરાતમાં લગભગ દર વર્ષે આવી પૂરની ઘટનાઓ બનતી રહી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં શુક્રવારે સાંજે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન 20 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો.
"એટલા ટૂંકા સમયમાં આટલી બધી માત્રામાં વરસાદ પડી જાય તો ફ્લેશ ફ્લડ (તાત્કાલિક આવી જતું પૂર) આવે તે અજુગતું ન કહેવાય," તેમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ કહે છે. પરંતુ અર્બન પ્લાનિંગના નિષ્ણાતો કહે છે કે આપણાં શહેરો આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા આયોજન નથી. તેમનું કહેવું હતું કે આબોહવા પરિવર્તનને કારણે આવનારાં વર્ષોમાં અતિભારે વરસાદની ઘટનાઓ વધવાની શક્યતા હોવાથી ભવિષ્યમાં પૂરની સ્થિતિને ટાળવા કે પહોંચી વળવા માટે નગરરચનાકારોએ આ બાબતને ધ્યાનમાં લેવી પડશે.
ગુજરાતનાં શહેરોમાં વારંવાર પૂર કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વિભાગે 2021માં ક્લાઇમેટ ચેન્જ માટેના 'ઍક્શન પ્લાન'માં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ, વડોદરા અને સુરત અનુક્રમે સાબરમતી, વિશ્વામિત્રી અને તાપી નદીના કાંઠે આવેલાં શહેરો હોવાથી ત્યાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. જોકે બોપલ અને ઘુમા સાબરમતીના કિનારે કે તટપ્રદેશમાં આવેલા વિસ્તારો નથી.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "શહેરી વિસ્તારમાં પૂર એ માત્ર અમદાવાદ, ગુજરાતનાં અન્ય શહેરો કે ભારતનાં શહેરો પૂરતી સીમિત સમસ્યા નથી. આખા વિશ્વનાં શહેરોમાં આવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમાંથી ન્યૂ યૉર્ક કે દુબઈ પણ બાકાત નથી. અમદાવાદના બોપલમાં એક દિવસમાં 20 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો. આ અજુગતી ઘટના છે. તે વિસ્તારમાં છેલ્લાં વીસ વર્ષમાં એકસાથે આટલો વરસાદ પડ્યો નથી. જેટલો વરસાદ સામાન્ય રીતે આખા વર્ષમાં નોંધાય છે તેટલો વરસાદ એક દિવસમાં પડી ગયો. આવા અતિભારે વરસાદથી થોડા સમય માટે પાણી ભરાઈ જાય તે સ્વાભાવિક છે."
બંછાનિધિ પાની સુરત અને રાજકોટના પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ કહે છે, "આપણાં શહેરોનું આયોજન તબક્કાવાર વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તેથી એ સ્વાભાવિક છે કે અતિભારે વરસાદની સ્થિતિમાં ફ્લેશ ફ્લડિંગની સ્થિતિ નિર્માણ પામે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માત્ર આબોહવા પરિવર્તન જ જવાબદાર છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વિટ્ઝર્લૅન્ડ સરકારની 'સ્વિસ એજન્સી ફૉર ડેવલપમેન્ટ ઍન્ડ કૉઓપરેશન' (SDC) સંસ્થાના સહયોગથી 'ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ફૉર લોકલ એન્વાયરન્મેન્ટલ ઇનિશિયેટિવ્સ' (ICLEI) નામની વૈશ્વિક સંસ્થા ભારત અને દુનિયાનાં શહેરો ક્લાયમેટ રિઝિલિયન્ટ — એટલે કે અતિશય ટાઢ, તડકા કે વરસાદની સ્થિતિ સામે ઝઝૂમી શકે તે માટે ટૅક્નૉલૉજી, માર્ગદર્શન અને ફંડ આપે છે.
એના ભાગરુપે ICLEI રાજકોટ, અમદાવાદ અને સુરત ઓછા કાર્બનનું ઉત્સર્જન કરનારાં અને ટકાઉ કઈ રીતે બને ત્રણેય મહાનગરપાલિકાઓ સાથે કામ કરી રહી છે.
ICLEIના દક્ષિણ એશિયાનાં ડિરેક્ટર સૌમ્યા ચતુર્વેદુલાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આબોહવા પરિવર્તન અને વરસાદની અનિશ્ચિત પૅટર્ન અર્બન ફ્લડિંગ માટે જવાબદાર મુખ્ય પરિબળો છે, પરંતુ શહેરોની વરસાદી પાણીની ગટરોની સિસ્ટમની ડિઝાઇન અને કૅપેસિટી પણ એટલી જ જવાબદાર છે. વરસાદી પાણીની ગટરો જૂની છે અને અતિભારે વરસાદ પડે ત્યારે એકસાથે એકઠું થતું વરસાદનું પાણી તે ગટરોની કૅપેસિટી કરતાં વધારે હોવાથી તે પાણીનો નિકાલ થતો નથી અને પરિણામે ફ્લડિંગ થાય છે."
અમદાવાદમાં આવેલી 'સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટ્રેનિંગ' (CEPT) યુનિવર્સિટીના પ્રોફેસર જિજ્ઞેશ મહેતા સૌમ્યા ચતુર્વેદુલાની વાતમાં સૂર પુરાવે છે.
તેઓ કહે છે, "થોડા સમયમાં અતિભારે વરસાદ પડી જાય તો ફ્લેશ ફ્લડ આવે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે શહેરોના આખા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેને સામાન્ય ગણવામાં આવે. જો નગર-આયોજન બરાબર ન થાય તો આવી સ્થિતિનું નિર્માણ થતું રહેશે."
ગુજરાતનાં શહેરોમાં વારંવાર આવતાં પૂરને કઈ રીતે રોકી શકાય?
સૌમ્યા ચતુર્વેદુલા કહે છે કે શહેરી વિસ્તારોનું આયોજન કરતી વખતે અર્બન પ્લાનરોએ આબોહવા પરિવર્તનને પણ ધ્યાને રાખવું પડશે.
તેઓ કહે છે, "શહેરોમાં 50 કે 100 વર્ષમાં એક વાર આવતાં પૂર હવે અવારનવાર આવવા લાગ્યાં છે. હવે આ પ્રકારના પૂરની આવૃત્તિ વધશે તેમ માનીને વરસાદી પાણીની ગટરોની સિસ્ટમ અને અર્બન પ્લાનિંગની પ્રક્રિયાનું પુનઃમૂલ્યાંકન કરવું ઘટે. આપણે પાણીને રસ્તો આપવો પડશે."
ચતુર્વેદુલાના જણાવ્યા અનુસાર જે રીતે સ્પોન્જ (વાદળી) પાણીને શોષી લે છે, તેમ શહેરના અમુક વિસ્તારો પણ વરસાદના પાણીને રોકી લે અને શોષી લે તેવો 'સ્પોન્જ સિટી'નો કન્સેપ્ટ કામ લાગી શકે તેમ છે.
તેમણે કહ્યું, "ગુજરાતમાં બગીચાઓ અને અન્ય સાર્વજનિક ખુલ્લી જગ્યાઓને એવી રીતે ડિઝાઈન કરી શકાય કે તે વરસાદના પાણીને રોકી લે અને શોષી લે. સુરતમાં આ પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ તેના માટે વૉર્ડ લેવલે માઇક્રો પ્લાનિંગની જરૂર પડશે."
તેઓ વધુમાં ઉમેરે છે,"વરસાદની ઘટનાઓને પહોંચી વળે તેવા માળખાના નિર્માણ માટે કૉન્ટ્રૅક્ટરો, પ્રાઇવેટ ડેવલપર્સ તેમ જ નાગરિકો પણ ક્ષમતા કેળવે તે માટે આયોજન કરવું પડશે. આમાં નાગરિકોની પણ મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે નદી, તળાવો કે કાંસના તટમાં કે કાંઠા પરનાં દબાણો પણ શહેરમાં આવતા પૂર માટે જવાબદાર અન્ય પરિબળો છે."
તેઓ કહે છે કે ભારતમાં શહેરોનો વિકાસ આયોજનબદ્ધ થવા કરતાં જૈવિક રીતે (સ્વાભાવિક રીતે) વધારે થાય છે. "આર્થિક રીતે નબળા વર્ગોના લોકો પર શહેરી વિસ્તારના પૂરની સૌથી વધારે અસર થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં તેમનાં ઘરોમાંથી તેમને વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર કરવાના પ્રયાસોનો તેઓ વિરોધ કરે છે, કારણ કે તેમને ડર હોય છે કે દૂર આવેલી અન્ય જગ્યાએ જવાથી તેમની રોજીરોટીને અસર થશે. આવી સ્થિતિમાં શહેરની અંદર જ દુકાનો, ઑફિસો અને આવાસ યોજનાના મકાન ધરાવતી બહુહેતુક બિલ્ડિંગ બનાવી તે લોકોનું પુનઃવસન કરી શકાય છે. રાજકોટમાં આના સારા દાખલા છે."

ઇમેજ સ્રોત, GUJARAT INFORMATION DEPARTMENT
પ્રોફેસર મહેતા ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી હાઈ-લેવલ કમિટી ઑન અર્બન પ્લાનિંગના એક સભ્ય પણ છે. તેઓ કહે છે કે અર્બન ફ્લડિંગ નિવારવા આયોજનના પ્રારંભિક તબક્કે જ ચોકસાઈ રાખવી પડશે.
તેઓ કહે છે, "અર્બન પ્લાનિંગ વખતે જમીનના ઢાળનો ઊંડો અભ્યાસ કરવો પડશે અને પાણીના કુદરતી વહેણોને ખુલ્લાં રાખવાં પડશે. શહેરોમાં જમીનોના અભાવે મોટી જગ્યાઓ ખુલ્લી મૂકી શકાતી નથી, પરંતુ પાણી ભરાઈ જવા જેટલો જ અગત્યનો મુદ્દો એ છે કે પાણી કેટલા સમયમાં ઓસરી જાય છે. બગીચા જેવી પાણીને રોકી લે તેવી બહુહેતુક જગ્યાઓનું નિર્માણ કરવાથી આ શક્ય બની શકે તેમ છે. શહેરોમાં જો ગ્રીન (ખુલ્લા વિસ્તારો અને બગીચાઓ) અને બ્લૂ (પાણીનાં કુદરતી વહેણો)નું નૅટવર્ક યોગ્ય હશે તો પૂરની સ્થિતિ નિવારી શકાશે."
પ્રો. મહેતા ઉમેરે છે કે ક્લાયમેટ રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર પણ ધ્યાન દેવું એટલું જ જરૂરી છે. તેઓ કહે છે, "હાઈ-લેવલ કમિટી ઑન અર્બન પ્લાનિંગે ભલામણ કરી છે કે 18 મીટર સુધીની પહોળાઈ ધરાવતા રોડ પર વૃક્ષોની બે હાર કરવામાં આવે અને તેનાથી વધારે પહોળા રોડ પર વૃક્ષોની ત્રણ લાઇનો કરવામાં આવે."
બંછાનિધિ પાની કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા પૂરની સ્થિતિને ખાળવા આગોતરાં આયોજનો કરી રહી છે.
તેમણે કહ્યું, "વરસાદની આગાહીના પગલે અમે વાસણા બેરેજના બધા દરવાજા ખોલી નાખી બેરેજ લગભગ ખાલી કરી નાખ્યો હતો, તેથી સાબરમતી નદી વધારે પાણીનું વહન કરી શકી. જો તેમ ન કર્યું હોત તો પૂરની સ્થિતિ વધારે ગંભીર થઈ હોત. તે જ રીતે ચાંદખેડાથી ફતેવાડી સુધી ફેલાયેલી વરસાદી પાણીની ગટરની વેસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે પાણી ઝડપથી ઓસરી રહ્યું છે અને રસ્તાઓ પર ભૂવા પડવાના બનાવો ઘટ્યા છે. આ ઉપરાંત અમે અમદાવાદ શહેરની અંદર આવેલાં તળાવોને એકબીજા સાથે જોડવાનું કામ કરી રહ્યા છીએ. જોધપુર અને બોડકદેવ વિસ્તારોનાં 42 તળાવોનું આ રીતે જોડાણ થઈ ચૂક્યું છે. બીજાં 31 તળાવોને જોડવાનું કામ પ્રગતિમાં છે અને અન્ય 71 તળાવોને પણ જોડવાનું આયોજન છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



























