એક હજાર દીનારની રોટલી અને માનવમાંસનું વેચાણ: એ દુકાળ જેણે એક ખલીફાને મહેલનો સામાન વેચવા મજબૂર કરી દીધા

ઇમેજ સ્રોત, TrustPast
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
કાઇરોના એ ચોકમાં એ ત્રણ વ્યક્તિઓનાં માત્ર હાડપિંજર બચ્યાં હતાં, જેમને ગઈકાલની સાંજે એક મંત્રીના ખચ્ચરને ચોરીને, મારીને, તેનું માંસ અંદરોઅંદર વહેંચી લેવાના આરોપમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.
11મી સદીમાં આઠમા ફાતિમી ખલીફા અલ-મુસ્તંસિર બાલ્લાહના શાસનકાળ દરમિયાન ઇજિપ્તમાં ફેલાયેલા દુષ્કાળે મૃતદેહોને પણ બાકી નહોતા છોડ્યા.
સાત વર્ષના આ સંકટકાળને ઇતિહાસમાં એ જ ખલીફાના નામ પરથી અલ-સિદ્દત મુસ્તંસિરિયા કે મુસ્તંસિરી ઇબ્તિલા (સંકટ) નામથી ઓળખવામાં આવે છે.
અલ-મુસ્તંસિર બાલ્લાહનું સાચું નામ મઅદ અબૂ-તમીમ હતું, જેઓ ઈ.સ. 1036માં માત્ર સાત વર્ષની ઉંમરે ખલીફા બન્યા, ત્યારે ફાતિમી સામ્રાજ્ય ઇજિપ્ત, ઉત્તર આફ્રિકા, સિસિલી, સિરિયાના કેટલાક ભાગો અને હિજાઝ (અરબ દ્વીપનો ઉત્તર-પશ્ચિમી ભાગ જેમાં મક્કા-મદીના વગેરે આવેલાં છે) સુધી ફેલાયેલું હતું.
આમ છતાં ઓછી ઉંમરના કારણે શરૂઆતનાં વરસોમાં ખલીફાની સ્થિતિ મોટા ભાગે ઔપચારિક હતી અને સત્તા, વ્યાવહારિક રીતે મંત્રીઓ અને તેમનાં માતાના હાથમાં હતી.
અલ-મુસ્તંસિર બાલ્લાહ: ઉત્થાનથી પતન સુધી

ઇમેજ સ્રોત, TrustPast
અલ-મુસ્તંસિર બાલ્લાહની ફાતિમી ખિલાફત (સામ્રાજ્ય) શરૂઆતના દાયકામાં સમૃદ્ધ હતી. આ સમૃદ્ધિ હિંદ મહાસાગરની વેપારી શક્તિઓ અને કૉન્સ્ટેન્ટિનોપલ (બાયઝેન્ટાઇન સામ્રાજ્ય) સાથેના ઇજિપ્તના લાભદાયક વેપારી સંબંધો પર આધારિત હતી.
આ જ સમયગાળામાં કાહિરામાં પુસ્તકાલયો વધ્યાં અને વિજ્ઞાન–સાહિત્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
હકીકતમાં, ઈ.સ. 1059માં મોટા ભાગે બગદાદ પર પણ થોડાક સમય માટે તેમનો પ્રભાવ સ્થપાયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ 1094માં અલ-મુસ્તંસિરના મૃત્યુ સાથે સમાપ્ત થનારા 58 વર્ષના શાસનકાળમાં, જેમાંના મોટા ભાગના સમયમાં તેઓ અત્યંત શાહી ઠાઠમાઠ સાથે રહ્યા, ફાતિમી સરકારને એવા ઊંડા અને ભરપાઈ ન કરી શકાય તેવા આઘાત લાગ્યા, જેનાથી તેઓ ક્યારેય બહાર ન નીકળી શક્યા.
ઇતિહાસકારો અનુસાર, ફાતિમી સામ્રાજ્યનું વહીવટી અને લશ્કરી માળખું અંદરથી બોદું થઈ ગયું હતું. આ રીતે ઇજિપ્ત વારંવાર જુદાં-જુદાં લશ્કરી જૂથો વચ્ચેની લોહિયાળ લડાઈઓનું મેદાન બની રહ્યું.
અલ-મુસ્તંસિર આ વિવાદોની દિશા બદલવા કે તેના પર અસરકારક પ્રભાવની ક્ષમતા નહોતા ધરાવતા. જોકે, કેટલાક પ્રસંગોએ તેમણે પોતે પણ સેનાનું નેતૃત્વ કર્યું હતું.
સેનાની નિષ્ઠા વેતન, સંપત્તિઓ અને શાહી સુરક્ષા સાથે સંકળાયેલી હતી, તેથી મર્યાદિત સંસાધનો પર કબજાનો સંઘર્ષ વધારે તીવ્ર થતો ગયો.
ધીમે-ધીમે વાસ્તવિક સત્તા ખલીફાના બદલે મંત્રીઓના હાથમાં જવા લાગી, જેમણે કામચલાઉ રાજકીય લાભ માટે વિભિન્ન જૂથો સાથે ગઠબંધન કર્યાં, વફાદારી ખરીદવા માટે સંપત્તિ (ઇક્તાઆત) અને અનુદાન (સ્ટાઇપેન્ડ) વહેંચવામાં આવ્યાં, જેનાથી રાજકીય ખજાનો ખાલી થવા લાગ્યો અને વહીવટી તંત્ર પાંગળું થતું ગયું.
ઈ.સ. 1060ના દાયકામાં સંકટ વધુ ઘેરું થતું ગયું. તુર્કી અને સુદાની સૈનિકો વચ્ચે સત્તાની ખેંચતાણ ખુલ્લા ગૃહયુદ્ધમાં બદલાઈ ગઈ.
આ જૂથોએ કાઇરોમાં લૂંટફાટ કરી, અનાજના પુરવઠામાં અવરોધ ઊભા કર્યા અને રાજ્યના વહીવટને પાંગળો કરી નાખ્યો.
દુષ્કાળ અને ગૃહયુદ્ધ

ઇમેજ સ્રોત, TrustPast
ઈ.સ. 1065થી 1072 સુધી, સાત વરસો દરમિયાન નાઇલ નદીનાં વાર્ષિક પૂર ઇજિપ્તની પારંપરિક સિંચાઈવ્યવસ્થા માટે જરૂરી સ્તરે ન પહોંચી શક્યાં. આથી વિશાળ કૃષિભૂમિ ઉજ્જડ થઈ ગઈ અને ઘઉં તથા જવ જેવા મુખ્ય પાકો લગભગ નષ્ટ થઈ ગયા.
આર્થિક અને કૃષિની દૃષ્ટિએ દેશ પહેલાંથી જ નબળો હતો. ઇજિપ્તના ઇતિહાસકાર તકી ઉદ્દીન અલ-મકરીઝી લખે છે કે નહેરો, બંધો અને સિંચાઈ વ્યવસ્થામાં ઘણાં વરસોથી સમારકામ કરવામાં નહોતું આવ્યું, જેના કારણે સામાન્ય કરતાં ઓછું પૂર પણ વિનાશક સાબિત થયું.
કેટલાક સમકાલીન અહેવાલો અનુસાર, દુકાળનાં ગંભીર વરસોમાં પાકના ઉત્પાદનમાં સામાન્યની તુલનાએ 80 ટકા કરતાં વધારે ઘટાડો થયો.
કૃષિવિનાશના પરિણામે રોટલી માટે ઉપયોગી અનાજની ગંભીર અછત ઊભી થઈ ગઈ, જે ઇજિપ્તના લોકોનું મુખ્ય ભોજન હતું. જે ઇજિપ્ત સામાન્ય સ્થિતિમાં આફ્રિકા (વર્તમાન ટ્યુનિશિયા) અને હિજાઝ સુધી અનાજની નિકાસ કરતું હતું, તે પોતે જ ખાદ્યાન્નની ગંભીર અછતનું શિકાર બની ગયું.
પશુધન માટે ઘાસચારોના અભાવથી મોટી સંખ્યામાં જાનવરો મૃત્યુ પામ્યાં, જેનાથી દૂધ અને માંસના પુરવઠાને પણ અસર થઈ.
'હિસ્ટરી ઑફ ધ કૉપ્ટિક ઑર્થોડોક્સ પીપલ ઍન્ડ ધ ચર્ચ ઑફ ઇજિપ્ત'માં રૉબર્ટ મૉર્ગન લખે છે કે 1065થી 1072 સુધી ચાલેલા આ દુષ્કાળે પહેલાંથી ખરાબ પરિસ્થિતિને વધારે વિનાશક બનાવી દીધી.
ઇતિહાસનાં વિવિધ પુસ્તકો દ્વારા જાણવા મળે છે કે ફાતિમી સામ્રાજ્ય પહેલાંથી જ ભારે સૈન્ય ખર્ચના ભાર હેઠળ દબાયેલું હતું.
લશ્કરી જૂથો વચ્ચેની અથડામણોના પરિણામે નાઇલ નદી અને રાતા સમુદ્ર દ્વારા થતો વેપાર લગભગ ઠપ થઈ ગયો.
કાપડ, પપાયરસ (કાગળ જેવો પદાર્થ બનાવવા માટેની જળ વનસ્પતિ) અને વધારાના અનાજની નિકાસ કરીને મોટી આવક રળનાર ઇજિપ્ત હવે પોતાની વેપારી શ્રેષ્ઠતા ગુમાવવા લાગ્યું હતું.
1066 અને 1067માં વેપારીઓએ ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું, જેનાથી ભાવ ખૂબ વધી ગયા અને કાળાબજાર શરૂ થયું.
મૉર્ગન અનુસાર, ગૃહયુદ્ધે સંકટનો સામનો કરવા માટેના દરેક અસરકારક પગલાને નબળા કરી નાખ્યા હતા.
મંત્રી અબુ મુહમ્મદ અલ-બાઝૌરીની હત્યા અને સતત બદલાતા મંત્રીઓના કારણે સરકાર અસરકારક પગલાં ભરવામાં અસમર્થ રહી.
સરકારી અધિકારી જનતાના સમર્થનના બદલે પોતપોતાનાં જૂથોને મજબૂત કરવામાં વ્યસ્ત રહ્યા, જેનાથી વહીવટી ગેરવ્યવસ્થા વધુ ઘેરી થતી ગઈ.
જેમ-જેમ દુષ્કાળ વધતો ગયો, ફાતિમી સેનાનાં જુદાં-જુદાં વંશીય જૂથો વચ્ચે વરસોથી રહેલો તણાવ ખુલ્લા યુદ્ધમાં પલટાઈ ગયો. તુર્કી, સુદાની, બર્બર અને અન્ય લશ્કરી ટુકડીઓ રાજકીય તિજોરી પાસેથી વેતન અને સુવિધાઓ માટે એકબીજાની સામે આવી ગયા. ખાલી થતા ખજાના અને વધતા આર્થિક સંકટે આ દુશ્મનાવટને વેગ આપ્યો હતો.
ગૃહયુદ્ધ ટૂંક સમયમાં જ જનતા માટે બીજી એક આફત બની ગયું.
પગારથી વંચિત સૈનિકો નાગરિકો પર તૂટી પડ્યા, ઘરો અને બજારોને લૂંટ્યાં અને કૃષિમાળખાને નષ્ટ કરી દીધું. અનાજનો પુરવઠો ખોરવાઈ ગયો, વેપાર ખોડંગાઈ ગયો અને પહેલાંથી ચાલી રહેલો દુષ્કાળ વધારે ઘેરો બની ગયો.
ભૂખમરો અને માનવમાંસનું વેચાણ

ઇમેજ સ્રોત, TrustPast
કાઇરો, જેની વસ્તી પાંચ લાખ કરતાં વધી ગઈ હતી, ગંભીર ખાદ્યસંકટનો શિકાર થઈ ગયું. ચામડાને ઉકાળીને ખાવામાં આવ્યું, લોકો જંગલી છોડ શોધીને ખાવા લાગ્યા અને એક રોટલી મેળવવા માટે પોતાનાં ઘર, દાગીના અને અન્ય કિંમતી સામાન વેચવા મજબૂર થઈ ગયા.
મૉર્ગન લખે છે કે ઈ.સ. 1069માં રોજિંદું ભોજન સામાન્ય લોકોની પહોંચથી બહાર નીકળી ગયું.
'કાઇરો, ફુસ્તાત અને બાબિલોનનાં શહેરોમાં એક રોટલી પંદર દીનારમાં વેચાવા લાગી, એક ઈંડાંની કિંમત એક દીનાર થઈ ગઈ.'
ઇતિહાસકાર ઇબ્ન અલ-કલાંસી અનુસાર, ખાદ્યાન્નની ગંભીર અછત અને અસહ્ય ભૂખે લોકોને મૃત જાનવર, મૃતદેહો, શ્વાન અને બિલાડીઓ ખાવા મજબૂર કરી દીધા. એક શ્વાનનો ભાવ પાંચ દીનાર અને એક બિલાડીનો ભાવ ત્રણ દીનાર સુધી પહોંચી ગયો. ધીમે-ધીમે આ જાનવર પણ લુપ્ત થઈ ગયાં.
મૉર્ગન લખે છે કે એક વ્યક્તિની માનવમાંસ વેચવાના ગુના બદલ ધરપકડ થઈ હતી. તે મહિલાઓ અને બાળકોને મોટા ભાગે ખાવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવતો, તેમને મારી નાખતો, તેમના શરીરના ટુકડા કરતો અને માંસના રૂપમાં વેચી દેતો હતો.
'દેશમાં કોઈ એવો રાજમાર્ગ બાકી નહોતો જે ચોર, ડાકુ કે સશસ્ત્ર ટોળકીઓની લૂંટફાટથી સુરક્ષિત હોય.'
અલ-મકરીઝી અનુસાર, જીવતા રહેવાના સંઘર્ષમાં લોકો એકબીજાનું અપહરણ કરવા લાગ્યા હતા.
કેટલાક ગુનેગારો રસ્તાની બાજુમાં આવેલાં નીચાણવાળાં મકાનોમાં રહેતા હતા.
તેઓ વિશેષ રીતે બનાવેલા લોખંડના આંકડા અને દોરડાની મદદથી રાહદારીને અંદર ખેંચી લેતા, લાકડીના દંડાથી તેમને મારી નાખતા, પછી તેમના શરીરના ટુકડા કરીને ખાઈ જતા.
'લોકો થોડાક કોળિયા ભોજનના બદલામાં પોતાની બધી જ સંપત્તિ વેચવા લાગ્યા.'
એક હજાર દીનારની રોટલી

ઇમેજ સ્રોત, TrustPast
અલ-મકરીઝીમાંથી જાણવા મળે છે કે એક ધનવાન મહિલાએ એક મુઠ્ઠી લોટ ખરીદવા માટે પોતાનો હજાર દીનાર મૂલ્યનો કિંમતી હાર વેચી દીધો, પરંતુ ઘરે પાછા જતી વખતે એ લોટ પણ લૂંટી લેવાયો અને તેની પાસે માત્ર એટલો જ વધ્યો જેનાથી એક રોટલી જ બની શકે.
તે એ જ રોટલી લઈને ખલીફા અલ-મુસ્તંસિર બાલ્લાહના મહેલની પાસે એક ઊંચી જગ્યાએ ઊભી રહી અને જોર-જોરથી બોલવા લાગી: 'એ કાઇરોના લોકો! આપણા શાસક અલ-મુસ્તંસિર બાલ્લાહ માટે પ્રાર્થના કરો, જેના શાસનકાળમાં એક રોટલીની કિંમત હજાર દીનાર થઈ ગઈ છે.'
આ જ રીતે એક ધનવાન વ્યક્તિ ખલીફાની સમક્ષ હાજર થયા અને ફરિયાદ કરી કે તેણે સિત્તેર દીનારમાં ઘઉં ખરીદ્યા હતા, પરંતુ રસ્તામાં તે પણ લૂંટી લેવાયા અને તેની પાસે માત્ર સિત્તેર દાણા જ બાકી બચ્ચા.
કાઇરો અને ફુસ્તાત જેવાં ગીચ વસ્તીવાળાં શહેર સૌથી વધુ પ્રભાવિત થયાં, જ્યાં ઇતિહાસકારો અનુસાર, ભૂખથી બેહાલ લોકો હાડપિંજરરૂપે ગલીઓમાં ભટકતા હતા અને ચાલતાં-ચાલતાં પડીને મૃત્યુ પામતા હતા.
ભૂખે સમાજના નૈતિક પાયાને પણ હચમચાવી મૂક્યો. પરિવાર પોતાનાં બાળકોને ગુલામી કે વેશ્યાવૃત્તિમાં વેચવા મજબૂર થઈ ગયા, જેથી બાકીના લોકો માટે થોડા દિવસનું ભોજન મળી શકે. ઇતિહાસકારોએ કબરોમાંથી મૃતદેહો કાઢવા અને મૃત શરીરોમાંથી ખોરાક પ્રાપ્ત કરવા જેવી ઘટનાઓ પણ નોંધી છે.
આવી દુર્ઘટના માત્ર સામાન્ય લોકો સુધી સીમિત ન રહી.
અલ-મકરીઝી અનુસાર ખલીફા અલ-મુસ્તંસિર બાલ્લાહના મહેલમાં પણ ભૂખમરાએ ટકોરા માર્યા અને શાહી હરમ (અંતઃપુર)ની કેટલીક મહિલાઓએ ભૂખમરાથી જીવ ગુમાવ્યો.
મૉર્ગન લખે છે કે 'રોટલી મેળવવા માટે ખલીફાના પૂર્વજોની કબરોની સજાવટ સુધ્ધાં વેચી દેવાઈ અને મહેલની મહિલાઓનાં વસ્ત્રો પણ વેચાઈ ગયાં.'
'વિસ્તારો ઉજ્જડ થઈ ગયા, મકાનો તેમાં રહેતા નિવાસીઓથી ખાલી થઈ ગયાં. ઇજિપ્તના એક વખતના સમૃદ્ધ અને ગીચ વસ્તી ધરાવતા હેઠવાસના શહેર તનિસમાં માત્ર સો લોકો જીવિત બચ્યા હતા.'
કેટલાંક ઐતિહાસિક અનુમાનો અનુસાર, ભૂખ, બીમારી અને હિંસાનાં પરિણામે ઇજિપ્તના એક તૃતીયાંશથી લઈને બે તૃતીયાંશ લોકો મૃત્યુ પામ્યા. જોકે, આ આંકડાની ચોક્કસ પુષ્ટિ શક્ય નથી.
અલ-મકરીઝી જણાવે છે કે શહેરોની ગલીઓ મૃતદેહોથી ભરાઈ ગઈ હતી. મૃતકોની સંખ્યા એટલી બધી હતી કે તેમને દફનાવનાર કોઈ બચ્યું નહોતું. અસંખ્ય મૃતદેહો કફન વિના નાઇલ નદીમાં ફેંકી દેવામાં આવ્યા, જેનાથી પ્લેગ અને અન્ય મહામારીઓ વધુ ફેલાઈ અને મૃત્યુદરમાં વધારો થતો ગયો.
જીવતા બચેલા લોકોએ ખોરાકની શોધમાં મોટા પ્રમાણમાં પલાયન શરૂ કરી દીધું. કાઇરો અને ફુસ્તાતના હજારો રહેવાસીઓ ઇજિપ્તના ઉપરવાસ અને ડેલ્ટાનાં ગામોની દિશામાં નીકળી પડ્યા, જ્યાં ક્યાંક-ક્યાંક હજુ પણ સીમિત ખેત-ઉત્પાદનો બચ્યાં હતાં. બીજી તરફ ઘણા બધા વેપારી, કારીગર અને શિલ્પકાર સીરિયા અને ઇરાક જતા રહ્યા.
તેમાં કેટલાક એવા પણ હતા જેઓ શાહી મહેલમાંથી લૂંટવામાં આવેલો કિંમતી સામાન વિદેશમાં વેચતા હતા.
આ હિજરતે ઇજિપ્તને માત્ર શ્રમશક્તિથી નહીં, પરંતુ વેપારી અને તકનીકી કુશળતાથી પણ વંચિત કરી દીધું.
આ વ્પાપક પ્રમાણના સ્થળાંતર અને વસ્તીમાં ઘટાડાએ ફાતિમી સામ્રાજ્યનાં વહીવટી અને આર્થિક માળખાં નબળાં કરી નાખ્યાં. કર વસૂલાતની વ્યવસ્થા લગભગ ખતમ થઈ ગઈ, રાજ્યનું નિયંત્રણ સંકોચાતું ગયું.
ખલીફાએ મહેલનું રાચરચીલું વેચવું પડ્યું
ઇબ્ન અલ-કલાંસી અનુસાર, ખલીફાના પોતાના શાહી તબેલામાં પણ કતલ માટે કોઈ જાનવર બાકી નહોતું બચ્યું.
અલ-મકરીઝી લખે છે: પરિસ્થિતિ એ હદે પહોંચી ગઈ કે અલ-મુસ્તંસિરે પોતાના મહેલનો બધો સામાન, ભંડાર, કપડાં, ફર્નિચર, હથિયાર અને અન્ય વસ્તુઓ વેચી દીધી.
'સંકટના દિવસોમાં ખલીફા એકલા જ ઘોડા પર સવાર થતા, જ્યારે તેમના બધા સાથી પગપાળા ચાલતા, કેમ કે સવારી માટે જાનવર જીવતાં બચ્યાં નહોતાં.'
'ભૂખથી વ્યથિત આ લોકો રસ્તામાં અથડાતા-પડતા હતા. આખરે ગંભીર ભૂખમરાના લીધે ખલીફાનાં માતા અને પુત્રીઓ પણ બગદાદ જવા માટે મજબૂર થઈ ગયાં.'
અલ-મુસ્તંસિર બાલ્લાહે પોતાના દેશને સકંજામાં લેનાર દુકાળને કાબૂ કરવાનો પ્રયાસ કર્યો.
અલ-મકરીઝી પોતાના પુસ્તક 'અગાસા અલામા બકશિફ અલ-ગમાત'માં લખે છે કે ખલીફાએ કાઇરોના ગવર્નરને બોલાવીને ધમકી આપી કે જો તેઓ બજારોમાં રોટલીનો મોટો જથ્થો સુનિશ્ચિત નહીં કરી શકે તો તેમને મારી નાખવામાં આવશે.
'ગવર્નરે જેમને પહેલાં જ મૃત્યુદંડ સંભળાવાઈ ચૂક્યો હતો તેવા કેદીઓને વેપારીઓનાં વસ્ત્રો પહેરાવ્યાં. પછી તેમણે શહેરના વેપારીઓ, ઘંટીના માલિકો અને બેકરી ચલાવનારાઓની એક મોટી સભા બોલાવી.'
'તે બધાની સામે તેમણે આદેશ આપ્યો કે આ કેદીઓને મારી નાખવામાં આવે. આ પહેલાં તેમણે જાહેરાત કરી હતી કે આ એવા વેપારી છે જેમણે અનાજનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઊભી કરીને દેશને બરબાદીની અણીએ પહોંચાડી દીધો છે.'
'આ કાર્યવાહી પછી બેઠકમાં સામેલ વેપારીઓના મનમાં ભય ફેલાયો. તેમણે વચન આપ્યું કે તેઓ સંગ્રહ કરેલું પોતાનું અનાજ બજારમાં લાવશે, ઘંટીઓ ફરીથી ચાલુ કરશે, બજારોમાં મોટા જથ્થામાં રોટલી ઉપલબ્ધ કરાવશે અને રોટલીના વેચાણ માટે એક વાજબી કિંમત માટે પણ સંમત થશે.'
પરંતુ સંકટ એટલું ઘેરું હતું કે આવાં દેખાડાનાં પગલાંથી હલ ન થઈ શકે. આ સંકટે ફાતિમી સામ્રાજ્યના રાજકીય પાયાને પણ હચમચાવી દીધા હતા.
અલ-મુસ્તંસિર બાલ્લાહના અધીન રહેલા ઘણા વિસ્તારો તેમના હાથમાંથી સરકી ગયા.
બગદાદ ફરીથી અબ્બાસી ખિલાફતના પ્રભાવ હેઠળ આવી ગયું, મક્કા અને મદીનામાં અલ-મુસ્તંસિરના નામનો ખુત્બા (ધર્મોપદેશ/ પ્રશંસા) બંધ કરી દેવાયો અને 1071માં નૉર્મન શાસકોએ સિસિલી પર કબજો કરી લીધો, જે લાંબા સમય સુધી ફાતિમી સામ્રાજ્યનો ભાગ રહ્યું હતું.
બદર અલ-જમાલીની મદદ, પરંતુ…
આખરે 1073માં જ્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ ન રહી ત્યારે, અલ-મુસ્તંસિર બાલ્લાહે અક્કામાં તહેનાત આર્મેનિયન સેનાપતિ બદર અલ-જમાલીને ઇજિપ્ત આવવાનું નિમંત્રણ મોકલ્યું અને તેમને સેનાનું સંપૂર્ણ નેતૃત્વ સોંપી દીધું.
અલ-મુસ્તંસિરે પોતાના સૌથી નાના પુત્રની શાદી બદર અલ-જમાલીની પુત્રી સાથે કરાવીને આ સંબંધને વધારે મજબૂત બનાવ્યો, પરંતુ આ નિર્ણય ફાતિમી સામ્રાજ્યના ભવિષ્ય માટે એક મહત્ત્વનો વળાંક સાબિત થયો.
ઇતિહાસકાર અલ-સરજાની અનુસાર, બદર અલ-જમાલી ઈ.સ. 1073ના અંતમાં ઇજિપ્ત પહોંચ્યા અને કડક કાર્યવાહીઓ, ફાંસીઓ અને વિરોધી જૂથોના ખાતમા દ્વારા અરાજકતા, દુકાળ, અશાંતિ અને ગૃહયુદ્ધના ગંભીર તબક્કાનો અંત કરીને દેશમાં શાંતિવ્યવસ્થા સ્થાપી.
આમ થતાં વાસ્તવિક સત્તા હવે ખલીફાના બદલે બદર અલ-જમાલીના હાથમાં આવી ગઈ અને મોટી સંખ્યામાં આર્મેનિયન સૈનિકોને રાજકીય સેનાનો ભાગ બનાવી લેવાયા.
એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, પછીનાં વર્ષોમાં ફાતિમી સલતનતે પોતાના અસ્તિત્વ માટે શક્તિશાળી મંત્રીઓ પર આધાર રાખવો પડ્યો, જ્યારે ઇજિપ્તની બહાર ફાતિમી સામ્રાજ્યનો પ્રભાવ સતત ઘટતો ગયો.
ઉત્તર આફ્રિકાના ઘણા વિસ્તારો અલ-મુસ્તંસિરના કબજામાંથી નીકળી ગયા, જ્યારે સીરિયામાં એવી અંધાધૂંધીની સ્થિતિ હતી કે પૂર્વમાંથી આગળ વધી રહેલા સલ્ઝૂકી તુર્કોનો અસરકારક પ્રતિકાર શક્ય નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















