નાચગાનની 300 વર્ષ જૂની એ શાપિત કળા, જેનો પાયો ખુદ ઔરંગઝેબ થકી નખાયો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Dr. Santosh Khedlekar

ઇમેજ કૅપ્શન, તમાશાનો ઉદ્ભવ ક્યારથી થયો એ અંગે ઘણા એ લખ્યું છે
    • લેેખક, ડૉ. સંતોષ ખેડલેકર, સંગમનેર (મહારાષ્ટ્ર)
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

મહારાષ્ટ્રને તેની સાંસ્કૃતિક પરંપરા, ભૌગૌલિક સ્થાન અને લોકોની રુચિને કારણે દેશના અન્ય કોઈ પણ રાજ્ય જેટલા જ લોકકળાઓનાં આશિર્વાદ મળ્યાં છે. આવી લોકકલાઓની દુનિયામાં, વિદર્ભ અને કોંકણના કેટલાક ભાગોને બાદ કરતાં, જે કળા પ્રસ્તુત કરવામાં આવે છે તે તમાશા છે.

અત્યંત લોકપ્રિય તમાશાની વિશેષતા એ છે કે તેનું નામ લેવામાં આવે છે ત્યારે પાંઢરપેશા તરીકે ઓળખાતા લોકોના ચહેરા તરત જ યાદ આવે છે. દુનિયામાં આવી બીજી એકેય 'શાપિત' કળા નથી.

તમાશાનો ઉદ્ભવ કેવી રીતે થયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Annasaheb Kale

તમાશાનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશે ઘણા લોકોએ લખ્યું છે. એ બધાનાં મંતવ્યોનો સારાંશ એ છે કે શિવાજીના શાસનકાળ દરમિયાન ઔરંગઝેબની સેનાએ ખૂબ લાંબા સમય સુધી મરાઠી પ્રદેશમાં ધામા નાખ્યા હતા. લાંબા સમયથી પોતાના પરિવારથી દૂર ઔરંગઝેબના સૈનિકોને મનોરંજનની જરૂર હતી. એ સમયે મહાર, માંગ, ડોંબારી, દાવરી તથા ગોંધળી લોકો ગાયન અને વાદનમાં નિપુણ હતા.

મોગલ સૈનિકોએ તે કળાકારોને આમંત્રણ આપીને પોતાનું મનોરંજન કરાવવાનું શરૂ કર્યું હતું. તેમણે એક સુંદર યુવાનને સ્ત્રીનો પોશાક પહેરીને નૃત્ય કરવા કહ્યું હતું. અત્યંત અવ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવેલા એ નૃત્યને મોગલ સૈનિકોએ 'તમાશા' નામ આપ્યું હતું. કેટલાક વિદ્વાનોએ આ વાતનો છેદ કરતાં એવી દલીલ કરી છે કે તમાશા પૂર્વે પણ છોકરાઓ આ રીતે નૃત્ય કરતા હતા.

તમાશાના વિદ્વાન વિશ્વનાથ શિંદેના મતાનુસાર, પોતાના સ્વરૂપના વિકાસ દરમિયાન તમાશાએ અહીંના અનેક નાટ્યાત્મક લોકકળાઓ સ્વરૂપોમાંથી ઘણી વસ્તુઓ અપનાવી છે. તમાશાએ ગોંધળ, વાધ્યા મુરાળીચે જાગરણ તેમજ દશાવતાર જેવી લોક કળાઓમાંથી કંઈકને કંઈક લીધું છે અને તેના પર પોતાની છાપ છોડી છે તેમજ તમાશાને રસપ્રદ બનાવ્યો છે. તેથી એ સ્પષ્ટ છે કે આપણાં વિવિધ ધાર્મિક નાટકો અને તમાશા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે.

મોગલ સૈનિકોના મનોરંજન માટે શરૂ થયેલા તમાશામાં અનેક ફેરફારો થયા છે. ઔરંગઝેબના મૃત્યુ પછી મોગલ સૈન્ય તેના પ્રાંતમાં પાછું ફર્યું હતું, પરંતુ નાચતા છોકરાઓના તમાશાએ મહારાષ્ટ્રની ધરતીમાં ધીમે ધીમે મૂળિયાં પ્રસારવાનું શરૂ કર્યું હતું.

લોકોની મનોરંજનની કલ્પના એટલી વૈવિધ્યસભર હતી કે તમાશા જેવા ઓઘડબોઘડ કળાપ્રકારને પણ પોતાનું સ્થાન જમાવવામાં લગભગ 75 વર્ષ થયાં હતાં. શિવાજીના શાસનકાળમાં તમાશાનો ઉદય થયો હતો, પરંતુ એ સમયના તમાશાના કે લાવણીના કળાકારો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જાનકોજી નામના એક લાવણી કળાકાર તેમાં અપવાદ છે. એ પછી તંજાવુરમાં માધવનાથની કેટલીક લાવણી ઉપલબ્ધ થઈ હતી. આ લાવણીનો સમય ઈસવી સન 1765ની આસપાસનો હોવો જોઈએ, એવું માનવામાં આવે છે.

ઉત્તર પેશ્વા શાસનકાળમાં કળાકારો(શાહિર)ને રાજ્યાશ્રય મળવાનું શરૂ થયું હતું અને શાહિર સમુદાય પૂણે શહેર તરફ આકર્ષિત થવા લાગ્યો હતો. પેશ્વાઓ તરફથી છ શાહિરોને રાજ્યાશ્રય મળ્યો હતો. તેમાં મુખ્યત્વે સંગમનેરના શાહિર અનંત ફંદી ઉર્ફે અનંત ઘોલપ (1744-1819), સંગમનેર પાસેના હાલના નાસિક જિલ્લાના વાવી ગામના શાહિર પરશરામ, પૂણેના શાહિર હોનાજી બાળા (હોનાજી અને બાળા બે અલગ-અલગ શાહિર હતા) અને જોશીર શાહ, સોલાપુરના, કોંકણના મુરુડના શાહિર પ્રભાકર ઉર્ફે પ્રભાકર જનાર્દન દાતા તેમજ જેજુરીના શાહિર સગનભાઉનો સમાવેશ થાય છે. અનંત ઘોલપ સૌથી વધુ આદરપાત્ર ગણાતા હતા.

તમાશાનો વિકાસ કેવી રીતે થયો?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂણેમાં પેશ્વાકાળ દરમિયાન તમાશાની સાથે લાવણીને પણ રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. પાછળથી લાવણી તમાશાનું એક અભિન્ન અંગ બની ગઈ. આ સમયગાળા દરમિયાન તમાશા અને લાવણીને લોકસમર્થન મળવાનું શરૂ થયું. નાનાસાહેબ પેશ્વાના સમયમાં ખાસ લાવણીની રજૂઆત માટે 'બાવનખણી' નામની ઈમારત બનાવવામાં આવી હતી. આ બાવનખણી કેવી રીતે શરૂ થઈ તેની કથા પણ ખૂબ જ રસપ્રદ છે.

આત્મારામ રાજારામ નામના અધિકારીએ નાનાસાહેબ પેશ્વાને એક પત્રમાં લખ્યું હતું કે "સાહેબ, મેં જે તે સમયે તમને ચેતવણી આપી હતી કે તમારા સાવધ રહેવું જોઈએ, તમારાં બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, તેમને સારી તાલીમ આપવી જોઈએ. તે મુજબ તેમના આહારવિહારની ઉત્તમ વ્યવસ્થા કરવી જોઈએ અને ગામલોકોને સારી તાલીમ આપવી જોઈએ. કાશીબા પાંચ-સાત કલાક તાલીમ આપે છે. તેનાથી સમજાય છે કે પૂણેમાં લાવણીને સ્થાપિત કરવા માટે જાણીજોઈને પ્રયાસો કરવામાં આવે છે."

જોકે, થોડા સમયમાં જ પેશ્વાઓનો અંત આવ્યો હતો અને દેશમાં બ્રિટીશ શાસન સ્થાપિત થયું હતું. એ સમય સુધીમાં તમાશાએ સમાજમાં અમુક હદ સુધી સ્થાન જમાવ્યું હતું અને તેનો વિસ્તાર ધીમે ધીમે થઈ રહ્યો હતો. ઉમા બાબુ સાવળજકરે 1850ની આસપાસ 'મોહના બટાવ' વાગ-નાટ્ય રજૂ કર્યું હતું. તમાશામાં તે પહેલું વાગનાટ્ય હતું. શાહિરી કવન અને લાવણીના મિશ્રણથી તમાશાને વાગનાટ્ય મળ્યું હતું. એ સમયે લોકોને સાંભળવા મળતી વિસ્મયકારક વાતોનો વિચાર કરીએ તો એવું તેમને વર્ષમાં એકવાર ગામમાં આવતા કિર્તનકારના આખ્યાનમાં સાંભળવા મળતું હતું.

તમાશામાં કળાકારો વેશભૂષા પહેરીને અભિનય કરતા હતા, સંવાદો બોલતા હતા તેથી લોકોને એવું લાગતું હતું કે ઘટના જાણે કે તેમની નજર સામે જ બની રહી છે. ખરા અર્થમાં તમાશાને લોકઆશ્રય મળવાનું અહીંથી શરૂ થયું હતું. તેમ છતાં તેની લોકપ્રિયતા મર્યાદિત હતી.

લાવણી અને તમાશા શું છે?

1880ના દાયકામાં મુંબઈમાં કાપડ મિલોનું નેટવર્ક વિકસવા લાગ્યું હતું. ગામડાંમાંથી યુવાનો રોજીરોટી કમાવવા મુંબઈ જતા હતા. સિનેમાનો ઉદય થયો ન હતો. તેથી તમાશાએ મુંબઈમાં મૂળ જમાવવાનું શરૂ કર્યું હતું. એ સમયગાળામાં તમાશાની સૃષ્ટિમાં બાપુરાવ પઠ્ઠે અને ભાઉ ફક્કડ જેવા ગંધર્વોનું આગમન થયું હતું. એ બન્નેના સમયગાળાને તમાશા તથા લાવણીના ઉત્કર્ષનો સમય કહી શકાય. એ સમયે પરિવહન સુવિધાઓ અને ચાહકોના પ્રતિભાવના આધારે લાવણી તમાશાના ખેલ ચાલતા હતા. બાપુરાવ અને ભાઉ ફક્કડ બંને ઉત્તમ કવિ હતા. તેથી તેમણે ફરી એકવાર તમાશાનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. આજે જે તમાશા રજૂ કરવામાં આવે છે તે એ બંનેએ કરેલી માંડણી અને બાંધણી અનુસારના હોય છે.

સંગમનેર તાલુકાના પવલાબાઈ તમાશાની સૃષ્ટિનાં પ્રથમ મહિલા કળાકાર હતાં. પવલાબાઈના તમાશાનું 1887 અને 1890 દરમિયાન રંગભૂમિ પર આગમન થયું હતું અને તેણે મરાઠી મંચ પર સનસનાટી સર્જી હતી. એ સમયે તરૂણ વયના છોકરાઓ સાડી પહેરતા અને તમાશામાં નૃત્ય કરતા હતા. એટલું જ નહીં, એ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં સંગીત નાટકનો આ કળાપ્રકાર લોકપ્રિય બન્યો હતો, પરંતુ એ પછીનાં ઘણાં વર્ષો સુધી સ્ત્રીઓની ભૂમિકા ફક્ત પુરુષો જ ભજવતા હતા.

વીસમી સદીની શરૂઆત થઈ અને તમાશાને સંપૂર્ણપણે પૂરક વાતાવરણ મળ્યું. મરાઠીમાં અનેક તમાશા મંડળીઓનો ઉદય થયો. એ પૈકીના કેટલાક બળદગાડા પર અને કેટલાક પગપાળા પ્રવાસ કરીને તમાશાના ખેલ રજૂ કરતા હતા. મુંબઈમાં માત્ર તમાશા માટે બંગડીવાલા થિયેટર, પિલા હાઉસ થિયેટર, ઍલફિન્સ્ટન થિયેટર, હનુમાન થિયેટર જેવાં અનેક થિયેટરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવાં થિયેટરોમાં કામદાર વર્ગ તમાશા જોવા જતો થયો હતો. એ પછી 1913માં ભારતમાં મૂક ફિલ્મોનું આગમન થયું અને 1932માં ટોકીઝ આવી.

"હવે તમાશા ખતમ થઈ જશે", એવી વાતો ત્યારે થવા લાગી હતી, પરંતુ એ બધી વાતો હવામાં ગાયબ થઈ ગઈ હતી. પઠ્ઠે બાબુરાવ, ભાઉ ફક્કડ, શિવ સંભા કવલાપુરકર, અર્જુન વાઘોલીકર, હરિભાઉ વડગાવકર, દગડોબા સાળી, ભાઉ માંગ નારાયણગાવકર, શંકરરાવ અવસરીકર, બાબુરાવ મોકાશી અને આવા અનેક કળાકારોએ તમાશા માટે એક અલગ દર્શક વર્ગ તૈયાર કર્યો હતો. તમાશાના તત્કાલીન સ્વરૂપના સંદર્ભમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે એ સમયે વિવિધ જાતિના અને ધર્મોના લોકોએ તમાશાના નિર્માણમાં ફાળો આપ્યો હતો.

1947માં દેશને આઝાદી મળી. સ્વતંત્ર ભારતમાં તમાશાના સારા દિવસો આવશે, એવી આશા હતી ત્યારે તત્કાલીન સરકારે 1948માં તમાશા પર અશ્લીલતાનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, તે સમયે તમાશાને દિલથી પ્રેમ કરતા કેટલાક લોકો તમાશાની મદદે આવ્યા હતા. આબાસાહેબ મજુમદાર, બાપુસાહેબ જિંતીકર, પોપટલાલ શાહ, અહમદ શેઠ તાંબે વગેરેના પ્રયાસોથી તમાશા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો અને તમાશા ફરીથી જોશભેર શરૂ થયા હતા. સ્વાતંત્ર્ય પછીના સમયગાળામાં તુકારામ ખેડકર, દત્તોબા તાંબે, દાદૂ ઈંદરીકર, માધવરાવ નગરકર વગેરેએ મહારાષ્ટ્રમાં તમાશાને લોકપ્રિય બનાવ્યા.

સમય સાથે તમાશા કેટલા બદલાયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Dr. Santosh Khedlekar

ઇમેજ કૅપ્શન, દાદુ ઇંદુરિકરના લોકનાટક 'ગઢવાચા લગ્ન'ની એક દુર્લભ તસવીર

સ્વાતંત્ર્ય પછીના યુગમાં તમાશામાં ઘણા ફેરફાર થયા. તમાશામાં પહેલીવાર કાર આવી. તમાશા માટે સર્કસ જેવા તંબૂ આવ્યા. સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો. ગામડાંમાં અને ચાવડીના ઓટલાઓ પર તંબૂ બાંધીને તમાશાની રજૂઆત થવા લાગી. સિનેમાને કારણે લોકોની તમાશા પાસેથી અપેક્ષા વધી. પરંપરાગત લાવણી, પોવાડે અને અન્ય કવનની સાથે લોકો ફિલ્મી ગીતોની માંગણી કરવા લાગ્યા.

તમાશાનો ઉદ્ભવ મૂળભૂત રીતે પ્રેક્ષકોની માંગને કારણે જ થયો હતો અને દરેક સમયગાળાની સાથે તેમાં પરિવર્તન થયું છે. તમાશા આજે પણ આટલા લોકપ્રિય શા માટે છે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે તમાશા એક ખૂબ જ લવચીક લોકકળા છે. પ્રેક્ષકોની અભિરૂચિને ધ્યાનમાં રાખીને તમાશાનું સ્વરૂપ સમય અનુસાર બદલાયું છે. તેથી તેનું અસ્તિત્વ આજે પણ ટકી રહ્યું છે.

તમાશા પ્રેક્ષકોની માંગને આધિન થઈ ગયા હોવાનો આક્ષેપ ઘણા લોકો કરે છે. આ આક્ષેપ આંશિક રીતે સાચો છે, કારણ કે તમાશા મૂળભૂત રીતે લોકસમર્થન પર આધારિત કળા છે. લોકો તમાશા નિહાળવા આવશે તો જ તમાશા કળાકારોનું ગુજરાન ચાલશે. તેથી પ્રેક્ષકોની અભિરૂચિ અનુસાર તમાશા બદલાયા છે તે પણ આપણે સમજવું જોઈએ.

તમાશાનો પ્રભાવ એટલો બધો હતો કે 1960થી 1980ના દાયકા સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સિનેમા લોકપ્રિય બન્યું તેનું કારણ તે તમાશાપટ તરીકે ઓળખાતી ફિલ્મો હતી. અલબત, આજ સુધીની બધી તમાશાપટ ફિલ્મોમાં લાવણી સિવાય, તમાશાનું બીજું કંઈ જ નથી. મોટાભાગની તમાશાપટ ફિલ્મોમાં તમાશાને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યા છે. ગોંડ ટોપી પહેરીને સ્ત્રીની જેમ બોલતો નર્તક તમાશામાં ક્યારેય જોવા મળ્યો નથી. એ સિનેમાવાળાઓની શોધ છે. આવો નર્તક તમાશાના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી અને આજે પણ નથી.

સ્વતંત્રતા પછીના સમયગાળામાં તમાશાની મુખ્ય ઓળખ 'વાગનાટ્ય' હતું. એ સમયગાળામાં ધાર્મિક, ઐતિહાસિક, શાહી અને સામાજિક વાગનાટ્યોએ મહારાષ્ટ્રને ખરા અર્થમાં ઘેલું લગાડ્યું હતું. રાતે સાડા નવે શરૂ થતો તમાશાનો ખેલ સૂર્યનું પહેલું કિરણ ફૂટે ત્યાં સુધી ચાલતો હતો.

આખું વર્ષ ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને કામદારો ગામની તીર્થયાત્રા પર આવતા હતા ત્યારે ખડખડાટ હસતા હતા અને તમાશાને દાદ આપતા હતા. આ તમાશા તેમને આખા વર્ષની ઊર્જા આપતા હતા. એ સમયગાળામાં તમાશામાં સરદારની પરંપરા વધારે મજબૂત થઈ હતી.

તમાશા એક એવી કળા છે કે જેમાં બોર્ડ પર જે કળાકારનું નામ હોય તે સ્ટેજ પર હોવી જોઈએ, એવું દર્શકો ઈચ્છતા હતા. એ તમાશા સંચાલકો એ સમયના દિગ્ગજ સરદાર હતા. તમાશામાં અભિનય, ગાયન, વાદન અને દિગ્દર્શન જેવા બધા કામો કરતા કળાકારને સરદાર તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના સરદારો જ તમાશાના માલિકો હતા. માધવરાવ નગરકર, તુકારામ ખેડકર, દત્તોબા તાંબે, દાદૂ ઈંદુરીકર, દત્તા મહાડિક, ગુલાબરાવ બોરગાંવકર, સાહેબરાવ નાંદવળકર, ચંદ્રકાંત ઢવળીપુરકર, શિવરામ બોરગાવકર, ભિખા-ભીમા વગેરેએ તમાશામાં સરદાર તરીકે વ્યાપક પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

તમાશા પર આર્થિક સંકટ કેમ સર્જાયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Annasaheb Kale

ઇમેજ કૅપ્શન, 1880 દરમિયાન મુંબઈમાં ટૅક્સટાઇલ મિલ્સનું નેટવર્ક વિસ્તરતું જઈ રહ્યું હતું. ગામડાંમાંથી યુવાનો રોજગાર માટે મુંબઈ પહોંચી રહ્યા હતા. હજુ સિનેમા શરૂ ન થઈ હોઈ તમાશાનાં મૂળ મુંબઈમાં ઊંડાં ઊતરી રહ્યાં હતાં

1980 પછી મહારાષ્ટ્રમાં ટેલિવિઝનનો મોટા પાયે વિકાસ થવા લાગ્યો. બ્લેક ઍન્ડ વ્હાઈટ ફિલ્મોનું સ્થાન રંગીન ફિલ્મોએ લીધું અને ઑર્કેસ્ટ્રા નામનો કળાપ્રકાર દરેક જગ્યાએ લોકપ્રિય બન્યો. ગામેગામ ટુરિંગ ટૉકિઝ શરૂ થઈ. ગામડાંમાંના સહકારી ખાંડ કારખાનાંમાં ગણેશોત્સવ વેળાએ પુણે તથા મુંબઈનાં નાટકો દર્શાવવામાં આવતાં હતાં. ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમો થતા હતા. એ સમયગાળા દરમિયાન તમારા રસિકોની અપેક્ષાઓ વધી. તેઓ વિચારવા લાગ્યા કે તમાશામાં સિનેમા, નાટક, ઓર્કેસ્ટ્રા જેવું બધું જ હોવું જોઈએ.

આ વાત રઘુવીર ખેડકરના ધ્યાનમાં આવી. આપણી પરંપરાગત શૈલી જાળવીને પ્રેક્ષકોની બદલાતી અભિરૂચિ સ્વીકારવી જરૂરી હતી. તમાશા મૂળભૂત રીતે એક લવચીક કળા છે. તમાશાએ ઝડપથી આ પરિવર્તન અપનાવી લીધું. રંગબેરંગી લાઈટ્સના પ્રકાશમાં આધુનિક વાદ્યો સાથે તમાશામાં ગીતો રજૂ થવાં લાગ્યાં.

ફિલ્મી કળાકારોની માફક તમાશાના કળાકારો પણ રંગબેરંગી વસ્ત્રો પહેરીને નાચવા લાગ્યા. પરિવર્તન આટલા પૂરતું મર્યાદિત ન હતું. નૃત્યમાં સમાન પરંપરાગત શૈલી ન હોવી જોઈએ, તેવું લોકો માનવા લાગ્યા. ફિલ્મોની માફક તમાશાઓમાં પણ પ્રસંગોચિત વિષયો અપનાવવાનું શરૂ થયું. ઈન્દિરા ગાંધીની હત્યા પછી 'જન્માલા યે ઈન્દિરા પુન્હા' અને એવા વિષયો પર આધારિત તમાશા ખૂબ જ લોકપ્રિય થયા. માનવત હત્યાકાંડ, રાજીવ ગાંધીની હત્યા, નાગપુરના ગૅન્ગસ્ટર અક્કુ યાદવની મહિલાઓના ટોળા દ્વારા હત્યા જેવા વિષયો તમાશામાં ખૂબ ગાજ્યા.

તમાશાનું આ બદલાયેલું સ્વરૂપ પ્રેક્ષકોને પ્રિય હતું. જોકે, બીજી તરફ તમાશાની આર્થિક સ્થિતિ બગડવા લાગી. અગાઉ ઘણા બેરોજગાર યુવાનો તમાશામાં કામ કરવું એ મહાનતાની નિશાની છે એમ માનીને કામ કરવા આવતા હતા. જેઓ ક્ષમતા ધરાવતા હતા, તેમને ખ્યાતિ મળતી હતી. એ જ સમયે મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ શરૂ થયું. સિંચાઈ સુવિધામાં વધારા સાથે ખેતી અને ડેરી ફાર્મિંગનો વિકાસ શરૂ થયો. દરેક ગામમાં રોજગારીની તકો સર્જાઈ.

તેથી યુવાનો આઠ મહિના માટે ગામ છોડીને તમાશા સાથે મુસાફરી કરતાં ખચકાતા થયા. તેની તમાશા પર વ્યાપક અસર થઈ. અત્યારે તમાશામાં કામ કરવા માટે એક પણ મરાઠી માણસ ઉપલબ્ધ નથી. ઉત્તર પ્રદેશના કેટલાક યુવાનો તમાશાની સિઝન દરમિયાન આઠ-નવ મહિના માટે મહારાષ્ટ્ર આવે છે અને કામ કરે છે.

તમાશાની વર્તમાન સ્થિતિ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Annasaheb Kale

હાલ તમાશા કળાકારોની અપેક્ષા વધી ગઈ છે. કળાકારોને તેમનો ચારથી છ મહિનાનો પગાર લોન તરીકે આપવો પડે છે.

આ નાણાં તમાશામાલિકો ખાનગી શાહુકારો પાસેથી લઈને કળાકારોને વગર વ્યાજે આપે છે. બીજી તરફ, તમાશામાં વાહનોની સંખ્યાને પ્રતિષ્ઠાની બાબત ગણવામાં આવતી હોવાથી દરેક તમાશા કંપની માટે ઓછામાં ઓછા ચાર ટ્રક અને બે લકઝરી બસ જરૂરી હોવાનું માનવામાં આવે છે.

એક સમયે એક તમાશામાં ચારથી છ નર્તકો રહેતા હતા, પરંતુ હવે શો નક્કી કરવા આવતા લોકો તમાશા મંડળીમાં કેટલી "સ્ત્રીઓ" છે તેના આધારે દર નક્કી કરે છે. ચાર કે છ નૃત્ય ગીતોનું સ્થાન હવે 25-30 ડાન્સર્સે લીધું છે. બહુ ઓછું ભણેલા તમાશા માલિકોએ સાહૂકારો પાસેથી લોન લીધે રાખી અને અહીંથી જ ખરી સમસ્યા સર્જાઈ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Annasaheb Kale

મહારાષ્ટ્રમાં એક સમયે 25થી 30 તમાશા કંપનીઓ રાજ્યમાં લગભગ વર્ષમાં 225 દિવસ તમાશા રજૂ કરતી હતી. આજે 2026માં માત્ર આઠ તમાશા કંપનીઓ બચી છે. એ સિવાય તંબુ લગાવ્યા વિના કે ટિકિટ વિના માત્ર ચોક્કસ રકમ લઈને થોડા દિવસ તમાશા રજૂ કરતા લગભગ 125 જૂથો છે.

થોડાં વર્ષો પહેલાં માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાતના દસ વાગ્યા પછી દરેક જગ્યાએ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ પછી તમાશાની સ્થિતિ વધારે ખરાબ થઈ છે.

તમાશા મૂળભૂત રીતે રાતના ભોજન પછી આરામથી પૌષ્ટિક આનંદ લેવા માટેની લોકકળાનો એક પ્રકાર છે, પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશને પગલે તમાશાની કમર તૂટી ગઈ છે.

તમાશાનું ભવિષ્ય શું હોઈ શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Annasaheb Kale

ઇમેજ કૅપ્શન, ગુલાબબાઈ સંગમનેરકર, કાંતાબાઈ સતારકર અને રઘુવીર ખેડકર

લગભગ 300થી વધુ વર્ષ સુધી મહારાષ્ટ્રનું મનોરંજન કરનારા તમાશા હવે નાજુક વળાંક પર ઊભા છે. તમાશાએ અગાઉ પણ અનેક સંકટોનો સામનો કર્યો હતો, પરંતુ એ સંકટો પર વિજય મેળવીને તમાશાએ તેની ઘોડદોડ ચાલુ રાખી હતી.

વચ્ચેના સમયગાળામાં અનંત ફંદી, પઠ્ઠે બાપુરાવ, તુકારામ ખેડકર વગેરે જેવા લોકોની મંડળીએ તમાશાને નવી દિશા આપવાનું કામ કર્યું. આ બધી બાબતોનો વિચાર કર્યા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે તમાશા સમય સાથે બદલાયા છે અને વાતાવરણ તથા પ્રેક્ષકોની અભિરૂચિને પારખીને તમાશા કળાકારોએ ફેરફાર કર્યા એટલે તમાશા ટકી રહ્યા છે. ભવિષ્યમાં તમાશાને ફરી એકવાર આવા જ કોઈ 'મસીહા' મળશે.

આજે રઘુવીર ખેડકરને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેનાથી મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકકળાકારોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ છે. તમાશા રસિકોએ આ પુરસ્કારનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું છે.

જે લોકોએ ક્યારેય તમાશા નિહાળ્યા નથી, એ લોકો પણ તમાશા વિશે માહિતી મેળવી રહ્યા છે. આ બધાના પરિણામે એવું સકારાત્મક ચિત્ર સર્જાયું છે કે આગામી સમયમાં તમાશાને વ્યાપક લોકસમર્થન અને સરકારી સમર્થન મળશે. રાખમાંથી બેઠા થયેલા ફિનિક્સ પંખીની માફક તમાશા પણ અસંખ્ય કટોકટીમાંથી સફળતાના શિખર પર પહોંચશે, તેવી આશા રાખીએ.

(લેખક તમાશાના અભ્યાસુ વિદ્વાન છે. તેઓ તમાશા પુરસ્કાર માટેની મહારાષ્ટ્ર સરકારની સમિતિના અને મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય તથા સંસ્કૃતિ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય પણ છે)

આ લેખ માટે નીચેના સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છેઃ

  • મરાઠી લાવણી સાહિત્ય (ડૉ. ગંગાધર મોરજે)
  • શાહિરી વાગ્મયચા ધારા (વિશ્વનાથ શિંદે)
  • અનંત ફંદી યાંચ્યા કવિતા વ લાવણ્યા (ડૉ. મધુકર કાશીનાથ મોંઘે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન