કચ્છમાં જેણે 21 ઊંટના જીવ લીધા તે અભાગણ છોડ કેટલો ઝેરી છે? તેના મૂળ ક્યા દેશમાં છે

kutch, camel death, કચ્છ, ઊંટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ashabhai Rabari

ઇમેજ કૅપ્શન, પોતાના એક બીમાર ઊંટ પાસે ઊભેલા ચેનાભાઈ રબારીની 2 સપ્ટેમ્બર, 2026ના રોજ લેવાયેલી તસવીર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ચોમાસું પૂરું થવા આવ્યું છે છતાં લગભગ અડધા કચ્છમાં આ વર્ષે વરસાદ ન થતાં પશુપાલકો તેમનાં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાં અને ઊંટ બચાવવા મથામણ કરી રહ્યા છે ત્યારે આ જિલ્લાના માંડવી તાલુકાના રાજડા ગામે અઠવાડિયા પહેલાં એક લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે.

રાજડા ગામે 31 ઑગસ્ટના રોજ ચેનાભાઈ રબારી નામના માલધારીના સાત-આઠ ઊંટ અચાનક બેસી ગયા અને પછી કલાકોની અંદર મોતને ભેટ્યાં.

ત્યાર પછીના ત્રણ-ચાર દિવસ દરમિયાન તે જ ધણનાં અન્ય કેટલાક ઊંટના તે જ રીતે મરતા રહ્યા અને મોતનો આંકડો 21 થઈ ગયો.

માત્ર અમુક દિવસોની અંદર ચેનાભાઈના 61 ઊંટમાંથી 21 ઊંટ મરી જતા શનાભાઈ ચિંતામાં છે. પરંતુ માલધારી આગેવાનો અને નિષ્ણાતો કહે છે કે આ ઊંટોના મોતનું કારણ તેનાથી પણ વધારે ચિંતાજનક બાબત છે.

પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ અને લેબોરેટરીમાં કરાયેલ ટેસ્ટનાં પરિણામોને ટાંકીને પશુપાલન વિભાગના અધિકારીઓ કહે છે કે આ ઊંટોના મોત રુખડી અથવા અભાગણ નામની વનસ્પતિના છોડ ખાવાથી થયા છે તેવું પ્રાથમિક તારણ છે.

અંગ્રેજીમાં Lantana Camara (લેન્ટેના કમારા) કહેવાતી અભાગણના છોડ ગંધારો કે ગંધારી તરીકે પણ જાણીતો છે અને કચ્છમાં લોકો તેને રુખડી કહે છે.

રુખડ વિદેશથી આવેલો છોડ છે.

પર્યાવરણવાદીઓ, જૈવવિવિધતાના નિષ્ણાતો અને વન વિભાગના અધિકારીઓ ફરિયાદ કરતા કહે છે કે રુખડીનો છોડ ભારતની જૈવવિવિધતા અને વન્યજીવો માટે એક પડકાર બની ગયો છે કારણ કે ઝેરી હોવાથી કોઈ ત્રુણભક્ષી તેને ખાતાં નથી અને તે સ્થાનિક પ્રજાતિની વનસ્પતિને પણ થવા દેતી નથી.

પરંતુ નિષ્ણાતો કહે છે કે માંડવીમાં ઊંટોનાં મોત રુખડીનાં પાંદડાં અને કાચાં ફળ પાલતુ પશુઓ માટે પણ કેટલા ઝેરી સાબિત થઈ શકે છે તેનું એક ઉદાહરણ છે.

કઈ રીતે ખબર પડી કે રુખડીના ઝેરથી ઊંટોનાં મોત થયાં?

kutch, camel death, કચ્છ, ઊંટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ashutosh Ayachi/BBC

ઇમેજ કૅપ્શન, રાજડામાં ઊંટોની ચાલી રહેલ સારવારની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કચ્છ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. રાજેશ પટેલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે રાજડા ગામે કેટલાક ઊંટ બીમાર પડ્યાની ફરિયાદ મળતા તેમના વિભાગના પશુ ડૉક્ટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બીમાર ઊંટને સારવાર આપી હતી.

તેમણે જણાવ્યું કે તેમ છતાં આશરે બે ડઝન જેટલા ઊંટના મોત થયાં હતાં. ઊંટોના મોત કયા કારણે થયાં તે જાણવા પશુપાલન વિભાગના પશુ રોગ તપાસ ઑફિસના અધિકારીઓ અને કામધેનુ યુનિવર્સીટીની ભુજ ખાતે આવેલી પશુચિકિત્સા અને પશુપાલન કૉલેજના નિષ્ણાતોની સંયુક્ત ટીમે મૃત્યુ પામેલા ઊંટોનાં પોસ્ટ-મૉર્ટમ કર્યાં.

ડૉ. રાજેશ પટેલે કહ્યું કે તપાસ બાદ તેઓ એવા તરણ પર પહોંચ્યા છે કે રુખડીના ઝેરના કારણે ઊંટોનાં મોત થયાં છે.

તેમણે કહ્યું કે, "પ્રાથમિક રીતે એમ લાગ્યું કે આ ઊંટોના મોત ટ્રાઇપાનોઝોમિયાસીસ નામના રોગથી થયા છે. પરંતુ પોસ્ટ-મોર્ટમ દરમિયાન ઊંટોના પેટમાં લેન્ટેના કમારાના ફળ પણ જોવા મળ્યા."

"ઊંટના માલિકે તેના ધણ વિશે આપેલી માહિતી, ઊંટોમાં બીમારીનાં લક્ષણો અને પોસ્ટ મોર્ટમ તપાસથી અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે લેન્ટેના કમારાના ઝેરના કારણે ઊંટોના લીવર કામ કરતા બંધ થઈ ગયા એટલે ઊંટોને નબળાઈ આવી અને તે નબળાઈના કારણે ટ્રાઇપાનોઝોમિયાસીસ રોગ થઈ ગયો."

ડૉ. રાજેશ પટેલે ઉમેર્યું કે ટ્રાઇપાનોઝોમિયાસીસ થઈ જતાં ઊંટને નબળાઈ આવે છે, અંધાપો આવે છે, સોજા આવે છે, ચાંઠા પડે છે અને તે ચાંઠામાં ચેપ પણ લાગી જાય છે.

ભુજ પશુચિકિત્સા અને પશુપાલન કૉલેજના આચાર્ય ડૉ. હિતેશ પટેલે બીબીસીને જણાવ્યું કે, "ટ્રાઇપાનોઝોમિયાસીસ રોગ લોહીની એક બીમારી છે અને તે ટ્રાઇપાનોઝોઆ નામના પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવોથી થાય છે."

"ગુજરાતીમાં આ રોગને સરાનો રોગ પણ કહેવાય છે."

તેમણે કહ્યું, "આમ તો ઊંટના શરીરમાં આ પ્રજીવો કાયમ હાજર હોય છે પરંતુ તંદુરસ્ત ઊંટેને તે નુકસાન કરી શકતા નથી."

"પરંતુ જો ઊંટને નબળાઈ આવે કે અન્ય કોઈ બીમારી થાય તો આ પ્રજીવો બળવાન બની જાય છે અને ઊંટને વધારે બીમાર કરે છે."

"પોસ્ટ-મોર્ટમ અને અમારી લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટથી એવું પ્રાથમિક તારણ છે કે ઊંટોનાં મોત રુખડીના ઝેરથી થયા છે."

"આ બાબતે વધારે સ્પષ્ટતા માટે પશુપાલન વિભાગે મૃત ઊંટોના વિસેરાના સૅમ્પલ ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે."

ઊંટોએ રુખડીના છોડ કેમ ખાધા?

કચ્છ, ઊંટોનાં મોત. બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ નજીક ખોખડદડ ગામની સીમમાં રુખડીનો એક છોડ

ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે એક સાથે સંખ્યાબંધ ઊંટો મરવા લગતા તેમના વિભાગને પ્રથમ તો એવી શંકા હતી કે કોઈ જંતુનાશક દવા છાંટેલી વનસ્પતિ ખાવાથી ઊંટોને ઝેરની અસર થઈ હશે. પરંતુ ઊંટના પેટમાંથી રુખડીના બોર જેવાં કાચાં ફળ મળી આવતાં તપાસની દિશા બદલી.

રુખડીની ખાસિયત એ છે કે તેના છોડ પર બારેય મહિના ઘાટ લીલા રંગના આકર્ષક પાંદડા છવાયેલા રહે છે.

બીબીસી સાથે વાત કરતાં 40 વર્ષના સનભાઈએ કહ્યું કે તેઓ નાનપણથી બકરાં પાલન સાથે સંકળાયેલા છે પરંતુ ચાર વર્ષ અગાઉ તેમણે ઊંટોનો ઉછેર ચાલુ કર્યો.

તેમણે કહ્યું, "રુખડીમાંથી ગંધ આવે છે તેથી ઘેટાં-બકરાં, ગાયો, ભેંસો, ઊંટ કે કોઈ અન્ય માલ તેને ખાતા નથી. પરંતુ કચ્છમાં આ વર્ષે વરસાદ થયો નથી એટલે ઘાસ-ચારો બહુ ઓછો છે."

"અત્યારે ભૂખમરો છે એટલે મારી સાન્ઢુએ રુખડી ખાધી. રાજડા નજીક આવેલા ગાંધીગ્રામ ગામમાં એક તલાવડીમાં થોડું પાણી છે અને તે તલાવડીના કાંઠે રુખડી ઊભી છે."

"ભૂખમરાને કારણે મારી સાન્ઢુએ તે ખાધી પછી ત્રીજા દિવસે કેટલીક સાન્ઢુ ચાલવામાં પાછળ રહેવા લાગી. ચોથા દિવસે રાજડામાં સાન્ઢુ બેસી જ ગઈ અને પછી મારવા લાગી."

અહીં એ નોંધનીય છે કે ભારતમાં ઊંટોની વસ્તીમાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં આ પ્રાણીઓની ગણનાપાત્ર વસ્તી રહી છે.

20મી પશુ વસ્તી ગણતરીના આંકડા અનુસાર કચ્છમાં 9053 ઊંટ હતા.

ઊંટને અને તેના પાલકોને બચાવી લેવાના ઉદ્દેશથી વર્ષ 2017થી કચ્છની સરહદ ડેરી ઊંટનું દૂધ 50 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખરીદી રહી છે.

સનાભાઈએ કહ્યું કે તેમના 21 ઊંટ મૃત્યુ પામ્યા તેમાંથી બે નર હતા જયારે બાકીનાં માદા એટલે કે ઊંટડીઓ હતી અને તેમાંથી કેટલીક દૂધ આપતી હતી તો કેટલીક ગાભણી હતી.

રુખડી કેટલી ઝેરી હોય છે અને કેમ?

કચ્છ, બીબીસી ગુજરાતી, ઊંટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રુખડીનાં કાચાં અને પાકાં ફળ

વૈજ્ઞાનિકો કહે છે કે રુખડીનાં પાંદડાંમાં લેન્ટાડીન-A, લેન્ટાડીન-B, લેન્ટાડીન-C અને લેન્ટાડીન-D પ્રકારનાં ઝેર હોય છે.

આ ઝેર પશુઓ અને માનવોને અસર કરી શકે છે.

શિવામોગામાં આવેલી કર્ણાટક વેટરિનરી ઍનિમલ ઍન્ડ ફિશરીઝ સાયન્સિસ યુનિવર્સીટીના સંશોધકોના એક સંશોધન પેપરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જુલાઈ-ઑગસ્ટ મહિનાઓ દરમિયાન લેવાયેલાં રુખડીનાં પાનને સૂકવવામાં આવે તો તેવા એક કિલો સૂકાં પાંદડાંમાં છથી સાત ગ્રામ લેન્ટાડીન-A એ કે લેન્ટાડીન-B હોય છે.

ખાસ કરીને પીળાં-રાતાં ફૂલવાળી રુખડીની જાતનાં પાંદડાંમાં આ ઝેરનું પ્રમાણ વધારે હોય છે જયારે પીળા-ગુલાબી અને સફેદ-ગુલાબી ફૂલવાળી રુખડીની જાતોમાં તેનું પ્રમાણ ઓછું હોય છે.

સંશોધકોએ તેમના પેપરમાં નોંધ્યું છે કે જો પશુઓને માત્ર થોડાક ગ્રામ લેન્ટાડીન ઝેર આપવામાં આવે તો તે ગંભીર રીતે બીમાર થઈ શકે છે અને ઝેરની વધારે અસર થતા માત્ર એક કે બે જ દિવસમાં મૃત્યુ પામી શકે છે.

તેમણે નોંધ્યું કે લેન્ટાડીન પશુઓના લીવરને કામ કરતું રોકે છે એટલે પશુને કમળો થઈ જાય છે.

ત્યાર બાદ પશુનું પાચનતંત્ર ધીમું પડી જાય છે, કિડની પર અસર થાય છે અને છેવટે મૃત્યુ થાય છે.

રુખડીના મૂળ કયા દેશમાં છે, ભારતમાં તે કઈ રીતે ફેલાઈ?

કચ્છ જિલ્લાના નાયબ પશુ નિયામક ડૉ. રાજેશ પટેલ

ઇમેજ સ્રોત, Ashutosh Ayachi/BBC

ઇમેજ કૅપ્શન, કચ્છ જિલ્લાના નાયબ પશુ નિયામક ડૉ. રાજેશ પટેલ

સંશોધનો અનુસાર રુખડી દક્ષિણ અમેરિકા, ખાસ કરીને બ્રાઝિલની વતની છે. તેનાં પાંદડાં અને ફૂલ દેખાવમાં ખૂબ આકર્ષક હોવાથી તે શણગારરૂપ છોડ લાગે છે.

એક સંશોધન પેપર અનુસાર સત્તરમી સદીથી માનવોને કારણે તે અન્ય ખંડો અને દેશોમાં ફેલાવા લાગી.

દુનિયાનું ખેડાણ કરનારા સાહસિકો તેના બીજ ઇંગ્લૅન્ડ તેમ જ યુરોપના અન્ય દેશો અને ઉત્તર અમેરિકા ખંડમાં લઈ ગયા. ત્યાર પછી તે ઑસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં ફેલાઈ ગઈ.

ભારતમાં અભાગણ વિદેશથી આવેલી એક આક્રમણકારી પ્રજાતિ છે.

તેને કોઈ પશુ ખાતાં નથી તેથી તેનો ફેલાવો ઝડપથી થાય છે. વળી, અભાગણના છોડ તેની આજુબાજુ અન્ય છોડ કે ઘાસને ઊગવા દેતા નથી કે વધવા દેતા નથી.

ભુજમાં આવેલી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી નામની સંસ્થા કચ્છના જૈવવૈવિધ્ય અને રણના પરિસરતંત્રનો અભ્યાસ કરે છે.

આ સંસ્થાના ડાયરેક્ટર ડૉ. વિજય કુમારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ છોડ દેખાવમાં આકર્ષક હોવાથી નર્સરીઓ તેને વેચતી હતી અને પછી તે વગડામાં અને જંગલોમાં ફેલાઈ ગઈ. દક્ષિણ ભારતમાં લેન્ટના કમારાનો ફેલાવો ખૂબ વધારે છે."

"હું 1984માં તમિલનાડુમાં કામ કરતો હતો ત્યારે પણ ત્યાં તે એક સમસ્યા હતી. કેટલાક લોકો તેની સળી-ડાળખીઓમાંથી હેન્ડીક્રાફ્ટની આઇટમો બનાવે છે."

"પરંતુ હવે તે રક્ષિત વન વિસ્તારોમાં પણ ફેલાઈ ગયેલી છે અને તેનાં પાંદડાંની ગંધના કારણે કોઈ તૃણાહારી પ્રાણી તેને ખાતાં ન હોવાથી એક સમસ્યા બની ગઈ છે."

ગુજરાતમાં રુખડીનો ફેલાવો કેટલો છે?

પશુવિજ્ઞાન અને પશુપાલન કૉલેજ, ભુજના આચાર્ય ડૉ. હિતેશ પટેલ

ઇમેજ સ્રોત, Dr Hitesh Patel

ઇમેજ કૅપ્શન, પશુવિજ્ઞાન અને પશુપાલન કૉલેજ, ભુજના આચાર્ય ડૉ. હિતેશ પટેલ

ડૉ. વિજય કુમાર કહે છે કે કચ્છમાં રુખડીનો ફેલાવો હજુ વ્યાપક નથી.

તેઓ કહે છે કે, "આ છોડ જ્યાં વાર્ષિક 30 ઇંચ વરસાદ થતો હોય તેવા વિસ્તારોમાં ખૂબ ઝડપથી વધે છે અને ફૂલે-ફાલે છે."

"કચ્છમાં દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડતો અને વાર્ષિક સરેરાશ વરસાદ પણ ઓછો પડે છે."

"તેથી, આ છોડ કચ્છમાં ટકી શકે છે પરંતુ તે અતિ ઝડપથી બધે ફેલાઈ જાય તેવી શક્યતા હાલના સંજોગોમાં લગતી નથી. પરંતુ કચ્છમાં પણ જ્યાં પાણી મળી રહે છે તેવા પાણીના સ્ત્રોતો અને ખેતરોના શેઢે તે પહોંચી ગઈ છે."

ચેનાભાઈ રબારીએ કહ્યું કે છેલ્લાં આઠ-દસ વર્ષથી કચ્છમાં રુખડીના છોડ દેખાવા લાગ્યા છે.

કચ્છમાં પશુપાલકોના કલ્યાણ માટે કામ કરતી સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાઈરેક્ટર રમેશ ભટ્ટી કહે છે કે ઊંટોના મોત લાલબત્તી સમાન કિસ્સો છે.

તેઓ કહે છે કે, "રુખડી સૌરાષ્ટ્રમાં તો વ્યાપકપણે ફેલાઈ ગઈ છે અને ગૌચર અને અન્ય ચરિયાણ વિસ્તારોમાં મોટાપાયે પગપેસારો કરી દીધો છે."

"ગાંડા બાવળ અને કુંવાડિયાએ પહેલાંથી જ ગૌચરો પર આક્રમણ કર્યું છે. રુખડી કેટલી ઝેરી છે અને પશુપાલન માટે કેટલો મોટો ખતરો છે તેનો તાગ કચ્છના ઊંટોનાં મોતથી આવે છે."

તેઓ ઉમેરે છે કે આ ઘટના કચ્છમાં ઘાસ-ચારાની તંગીની સ્થિતિનો પણ આડકતરો સંકેત આપે છે.

તેમણે કહ્યું, "ઊંટ બહુ ખડતલ પશુ ગણાય છે અને તે દુષ્કાળમાં પણ જીવી જાય છે. દુષ્કાળમાં ધાસ-ચારા અને પાણીના અભાવે ગાયો-ભેંસો મરી જવાની શક્યતા વધારે રહેતી હોય છે પરંતુ ઊંટ આવી અછતમાં પણ ટકી જાય છે."

"જીવ બચાવવા તે કંઈ પણ ખાઈ લે છે. પરંતુ રુખડી હવે તેના માટે એક ખતરો બની ગઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન