હવામાન સમાચાર : ગુજરાતમાં ચોમાસું હજુ વધુ ખેંચાશે? કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં પાછલા અમુક દિવસથી ગરમીનું જોર યથાવત્ રહી રહ્યું છે. લોકોને રાજ્યમાં બળબળતી બપોર અને પ્રમાણસર રાહત આપે એવા પવનોવાળી રાતોનો અનુભવ થઈ રહ્યો છે.
જોકે, પ્રમાણસર આખા દિવસનું તાપમાન તડકા અને બફારાના મિશ્રણને પરિણામે વધુ જ અનુભવાઈ રહ્યું છે.
ગત 4 જૂનથી ભારતમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં પ્રીમોન્સૂન વરસાદ એટલો જામ્યો નથી. ઉપરાંત સામાન્યપણે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની ઍન્ટ્રી થઈ જતી હોય છે, તે પણ હવે પાછી ઠેલાઈ હોય તેવું લાગી રહ્યું છે.
ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન હવામાન અને ચોમાસાની આગેકૂચ અંગે આગાહી જાહેર કરી હતી.
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

ઇમેજ સ્રોત, IMD
આગામી ચાર પાંચ દિવસ સુધી નૈઋત્ય ચોમાસાની મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વધુ ભાગો અને ઓડિશા, ઝારખંડ અને બિહારના હજુ વધુ ભાગો તેમજ દક્ષિણ છત્તીસગઢના વધુ ભાગો તરફ આગેકૂચ માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે.
ભારતના હવામાન વિભાગની આગાહી અનુસાર, 15 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બાકીના વિસ્તારોમાં રાજ્યમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહે તેવી આશંકા છે.
તેમજ 16 જૂનના રોજ પણ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બાકીના વિસ્તારોમાં રાજ્યમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહે તેવી આશંકા છે.
17 જૂન માટેની આગાહી મુજબ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના બાકીના મોટા ભાગના જિલ્લામાં મોટા ભાગે શુષ્ક હવામાન રહે તેવી આશંકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું થશે?

ઇમેજ સ્રોત, IMD
હાલ, ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ નબળી પડી ગઈ છે. આ બ્રાન્ચ જે પહેલાં ધીમે ધીમે આગળ વધી રહી હતી, એ આગળ વધતા હવે રોકાઈ ગઈ છે.
પહેલાં એવી શક્યતા હતી કે મહારાષ્ટ્રમાં ચોમાસું 8 જૂનના રોજ પહોંચશે, પરંતુ હજુ બે-ત્રણ દિવસ સુધી ચોમાસું મહારાષ્ટ્ર પહોંચવાના સંકેતો નથી દેખાઈ રહ્યા.
ગુજરાતમાં 15 જૂને ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ ચોમાસું ચૂકી જાય એવી વાત છે, કદાચ 15 જૂન સુધી મુંબઈમાં પણ ચોમાસું નહીં પહોંચે.
ગુજરાતમાં આ વખતે 25-26 જૂન પછી વરસાદ પડે તેવી શક્યતા છે, 30 જૂન સુધી ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું સામાન્યપણે આવરી લેતું હોય છે, પરંતુ આ વખતે આ સમય સુધી ગુજરાતના તમામ નહીં, પરંતુ ઘણા વિસ્તારો સુધી વરસાદ પડવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























