'મને છ વર્ષની ઉંમરે પિરિયડ્સ શરૂ થયા', છોકરીઓમાં નાની ઉંમરે સ્તનવિકાસ જેવાં લક્ષણો કેમ દેખાય છે?

ઇમેજ સ્રોત, Gabby
- લેેખક, રેબેકા થોર્ન
- પદ, વર્લ્ડ સર્વિસ ગ્લોબલ હેલ્થ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
છ વર્ષની ઉંમરે, ગેબીને માસિક ધર્મ શરૂ થઈ ગયો અને તેમના શરીર પર વાળ ઊગવા લાગ્યા.
પોતાના આ પહેલવહેલા બાળકને આમ થતું જોઈને તેમનાં માતા ગભરાઈ ગયાં, અને તેમને ડૉક્ટર પાસે લઈ ગયાં.
ઇંગ્લૅન્ડના રહેવાસી ગેબી બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવે છે કે, "બાળરોગ વિશેષજ્ઞોની ટીમે એ બાબતે સંશોધન કરવું પડ્યું કારણ કે જે સ્થિતિમાંથી હું પસાર થઈ રહી હતી એના વિશે તેમણે ક્યારેય સાંભળ્યું ન હતું."
"આની સારવાર કેવી રીતે કરવી તે અંગે વધુ માહિતી મેળવવા માટે તેમણે દેશભરની હૉસ્પિટલોનો સંપર્ક કરવો પડ્યો."
હવે 26 વર્ષનાં ગેબીને સેન્ટ્રલ પ્રિકૉશિયસ પ્યુબર્ટી (સી.પી.પી.) હોવાનું નિદાન થયું હતું.
આ સ્થિતિમાં છોકરીઓને આઠ વર્ષની ઉંમર પહેલાં અને છોકરાઓમાં નવ વર્ષની ઉંમર પહેલાં જ તરુણાવસ્થા શરૂ થઈ જાય છે.
કેટલા લોકો આવી સ્થિતિમાં મૂકાય છે એનો અંદાજ વિવિધ દેશોમાં જુદો જુદો છે.
છોકરીઓમાં આમ થવાની શક્યતા વધુ હોય છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે દર 10,000 છોકરીઓમાંથી 0.2થી 26 અને દર 10,000 છોકરાઓમાંથી 0.02થી 0.9 નવા કેસ નોંધાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકાળે તરુણાવસ્થાનો અનુભવ કરનારાઓને તેની તાત્કાલિક અસર ભોગવવા ઊપરાંત જીવનના આગળના તબક્કે વિવિધ પ્રકારના કૅન્સર અને હૃદય તથા રક્તવાહિનીઓના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે.
સાવ નાની ઉંમરે પિરિયડ્સ આવે ત્યારે શું લક્ષણો દેખાય?

ઇમેજ સ્રોત, Gabby
તરુણાવસ્થામાં પ્રવેશ્યાં ત્યારે ગેબી એટલાં નાનાં હતાં કે તેમને ખાસ કશું યાદ નથી. પણ જે થોડાઘણા પ્રસંગો તેને યાદ છે, તે ખૂબ પીડાદાયક અને દુઃખદ છે.
તેઓ કહે છે કે, "મને યાદ છે કે હું જમીન પર ગર્ભસ્થ શિશુની જેમ વાંકી વળીને પડી રહીને પીડાતી હતી."
એકાદ વર્ષ સુધી વિવિધ પરીક્ષણો, નિષ્ણાતો પાસે અભિપ્રાય અને મગજનું એમ.આર.આઈ. સ્કેન કરાવ્યા પછી પણ આ સ્થિતિનું કોઈ સ્પષ્ટ કારણ જણાયું નહોતું.
અંતે ગેબીને સેન્ટ્રલ પ્રિકૉશિયસ પ્યુબર્ટી હોવાનું નિદાન થયું અને તેમને હોર્મોન બ્લૉકર્સ, જેને ગોનાડોટ્રોપિન-રિલીઝિંગ હોર્મોન ઍગોનિસ્ટ્સ (જી.એન.આર.એચ.) કહે છે, તે આપવાની શરૂઆત થઈ.
તેઓ કહે છે, "મને લાગતું હતું કે હું બધાથી અલગ છું, કારણ કે મારા પર આટલા બધા ટેસ્ટ થતા હતા અને મારા હોર્મોન્સ અટકાવવા માટે દર ત્રણ અઠવાડિયે મારે ઇન્જેક્શન લેવા પડતાં હતાં."

ઇમેજ સ્રોત, Gabby
જી.એન.આર.એચ.નાં નિયમિત ઇન્જેક્શન તરુણાવસ્થાની પ્રક્રિયાને થોભાવી દે છે, જેથી બાળક તેની ઉંમરને અનુરૂપ સામાન્ય ગતિએ વિકાસ કરી શકે. સામાન્ય રીતે 11થી 12 વર્ષની ઉંમર વચ્ચે આ દવા બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી તરુણાવસ્થા સ્વાભાવિક રીતે શરૂ થાય છે.
આ દવાઓએ ગેબીના વિકાસને અટકાવવામાં અસરકારક કામ કર્યું હતું, પણ એ પહેલાં એકાદ વર્ષ સુધી, તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારોમાંથી તેઓ પસાર થઈ ચૂક્યાં હતાં.
તેઓ કહે છે, "અરીસામાં મારી જાતને જોઈને હું સમજી જ શકતી નહોતી કે હું કોણ છું, કારણ કે હું માનસિક રીતે જેટલી નાની હતી તેના કરતાં દેખાવમાં મોટી લાગતી હતી. મને લાગે છે કે તેને કારણે મારી ઉંમર કરતાં વધુ પરિપક્વ થવું પડે એવી લાગણી મારા મનમાં પેદા થઈ હતી."
અકાળે તરુણાવસ્થા શેને કારણે થાય છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સ્થિતિના બે પ્રકાર છે:
- પેરિફેરલ પ્રિકૉશિયસ પ્યુબર્ટી (પી.પી.પી.): આ સ્થિતિમાં શરીરના હોર્મોન્સનું નિયંત્રણ કરતા મગજના ભાગ હાઇપોથેલેમસની ભૂમિકા વિના જ અંડાશય અથવા વૃષણ જાતીય હોર્મોન્સનો સ્રાવ ઘણો વહેલો શરૂ કરી દે છે. સામાન્ય રીતે તેનું કારણ અંડાશયમાં કે વૃષણમાં ગાંઠ, એડ્રિનલ ગ્રંથિની તકલીફો અથવા બહારના જાતીય સ્ટિરોઇડ હોર્મોન્સના સંપર્ક જેવી કોઈ આંતરિક તબીબી સ્થિતિ હોય છે.
- સેન્ટ્રલ પ્રિકોશિયસ પ્યુબર્ટી (સી.પી.પી.): આ સ્થિતિમાં તરુણાવસ્થાની શરૂઆત અસામાન્ય રીતે વહેલી થઈ જાય છે, પણ પછી તે સામાન્ય પ્રક્રિયા મુજબ જ આગળ વધે છે. અકાળે તરુણાવસ્થાનો આ સૌથી સામાન્ય પ્રકાર છે અને મોટા ભાગે તેનું કોઈ ચોક્કસ કારણ શોધી શકાતું નથી.
1998થી 2017 દરમિયાન ડેનમાર્કમાં 8,596 બાળકો પર થયેલા 2020ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે દર વર્ષે સરેરાશ દર 10,000 છોકરીઓમાંથી 9.2 અને દર 10,000 છોકરાઓમાંથી 0.9 બાળકોને સી.પી.પી. નું નિદાન થયું હતું.
આ અભ્યાસમાં એ પણ જણાયું કે 20 વર્ષના ગાળામાં છોકરીઓમાં આવા કેસોમાં ત્રણ ગણો અને છોકરાઓમાં બે ગણો વધારો થયો હતો.
કોરિયામાં 2008થી 2014 દરમિયાન રાષ્ટ્રીય વીમાના દાવાઓના વિશ્લેષણમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે દર 10,000 છોકરીઓમાંથી 26.28ને સી.પી.પી. હતું, જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ દર 10,000 દીઠ માત્ર 0.7 જેટલું હતું.
સંશોધકોને હજુ સુધી સંપૂર્ણપણે સમજાયું નથી કે છોકરીઓમાં આ સ્થિતિનું પ્રમાણ આટલું બધું વધારે કેમ છે. તેમનું માનવું છે કે તેની પાછળ પર્યાવરણીય અને જૈવિક પરિબળોનું સંયોજન જવાબદાર હોઈ શકે. તે એ હકીકતનો પણ સંકેત હોઈ શકે છે કે સામાન્ય રીતે છોકરીઓમાં હવે તરુણાવસ્થા પહેલાં કરતાં વહેલી શરૂ થવા લાગી છે.
2025માં પ્રકાશિત 44 અભ્યાસોના મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 1977થી 2013 વચ્ચે દરેક દાયકામાં છોકરીઓમાં સ્તનવિકાસ શરૂ થવાની સરેરાશ ઉંમર લગભગ ત્રણ મહિના જેટલી ઘટી હતી.
અભ્યાસો સૂચવે છે કે છોકરાઓમાં પણ તરુણાવસ્થાની શરૂઆત અગાઉ કરતાં થોડી વહેલી થઈ રહી છે. જો કે, આ ફેરફાર છોકરીઓ જેટલો નોંધપાત્ર નથી.
બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટીનાં ઍન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. આના પિન્હેરો મશાડો કાન્તોન જણાવે છે કે તેમણે એક વર્ષની ઉંમરના બાળકની પણ આ સ્થિતિની સારવાર કરી હતી.
આવા આત્યંતિક કિસ્સાઓમાં સૌથી સંભવિત કારણ હાઇપોથેલેમસમાં રહેલી ક્ષતિઓ હોય છે.
મગજની ગાંઠો પણ અકાળે તરુણાવસ્થાની શરૂઆત માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
કાન્તોન અને તેમના સંશોધન જૂથનું માનવું છે કે આહાર અને પર્યાવરણ જેવાં બાહ્ય પરિબળોની પણ તેમાં ભૂમિકા હોઈ શકે.
તેઓ કહે છે, "બાળકોમાં વધતી જતી સ્થૂળતા એવું પરિબળ છે જેના વિશે આપણે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે, કારણ કે સ્થૂળ બાળકમાં તરુણાવસ્થાની પ્રક્રિયા ઝડપથી આગળ વધે છે."
સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરીરમાં રહેલી વધારાની ચરબી એસ્ટ્રોજન સહિતના જાતીય અંત:સ્રાવનું પ્રમાણ વધારે છે. ઉપરાંત લેપ્ટિન નામના અંત:સ્રાવનું સ્તર પણ વધે છે, જે હાડકાંના વિકાસમાં મદદરૂપ બને છે. સંશોધકોનું માનવું છે કે આ પરિબળો કેટલાંક બાળકોમાં અકાળે તરુણાવસ્થા શરૂ થવાનું કારણ બની શકે છે.
બર્નાર્ડી પરિવારે શોધી કાઢ્યું કે તેમની પુત્રીઓમાં એવી આનુવંશિક વિકૃતિ (મ્યુટેશન) છે, જે તેમની સેન્ટ્રલ પ્રિકૉશિયસ પ્યુબર્ટી થવાની સંભાવનાને વધારે છે.

ઇમેજ સ્રોત, Bruno Bernardi
આનુવંશિકતા પણ આ સ્થિતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. 2013માં હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો અને ટીમના અગ્રણી પ્રોફેસર અન્ના ક્લાઉડિયા લેટ્રોનિકે મહત્ત્વપૂર્ણ શોધ કરી હતી કે એમકેઆરએન3 નામના જનીનમાં થતા મ્યુટેશન સહિત કેટલીક આનુવંશિક વિકૃતિઓ સેન્ટ્રલ પ્રિકૉશિયસ પ્યુબર્ટીનું કારણ બની શકે છે.
દસ વર્ષની લારા અને આઠ વર્ષની બિયાત્રિઝ—બંને બહેનોમાં આ મ્યુટેશન છે. લારામાં ખૂબ નાની ઉંમરે સ્તનવિકાસનાં લક્ષણો દેખાવા લાગ્યાં ત્યારે તેની જાણ થઈ.
તેમની માતા લેઇઆ બર્નાર્ડી કહે છે, "હું ખૂબ ગભરાઈ ગઈ હતી, કારણ કે ત્યારે તે માત્ર પાંચ વર્ષ અને દસ મહિનાની હતી. આવા બધા માટે તે હજી ઘણી નાની હતી."
આનુવંશિક પરીક્ષણ દ્વારા કાન્ટોન અને તેમની ટીમે શોધી કાઢ્યું કે આ મ્યુટેશન તેમના પિતાના પક્ષેથી વારસામાં મળ્યું હતું. તેના આધારે, નાની બહેન બિયાત્રિઝને પણ સી.પી.પી. થવાની લગભગ નિશ્ચિત શક્યતા હોવાનું જાણવા મળ્યું.
આથી તેની સાત વર્ષની ઉંમરે તેનામાં પણ વિકાસનાં પ્રારંભિક લક્ષણો દેખાયા, ત્યારે તરત જ તેની સારવાર શરૂ કરી શકાઈ.
લેઇઆ કહે છે, "હું ખૂબ ગભરાઈ ગઈ હતી, કારણ કે એમ લાગતું હતું કે અમે તેમના બાળપણની કેટલીક ક્ષણો ગુમાવી દીધી."
જલદી તરુણાવસ્થા આવી જવાને કારણે કૅન્સર અને હૃદયરોગનું જોખમ હોય છે?
ડૉ. કાન્તોન ચેતવણી આપે છે કે સેન્ટ્રલ પ્રિકૉશિયસ પ્યુબર્ટીની સારવાર ન કરવામાં આવે તો તે માનસિક અને શારીરિક એમ બેય રીતે આરોગ્યનાં ગંભીર જોખમો ઊભાં કરી શકે છે.
તેઓ કહે છે, "કલ્પના કરો કે કોઈ છોકરીમાં છ કે સાત વર્ષની ઉંમરે જ સ્તનનો વિકાસ શરૂ થઈ જાય છે. તે પોતાની સખીઓ અને શાળાની પોતાની ઉંમરની અન્ય છોકરીઓથી એકદમ અલગ દેખાવા લાગે છે, અને તેના માટે આ સ્થિતિનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બની રહે છે."
જૈવિક રીતે પણ, જેમની તરુણાવસ્થાની શરૂઆત વહેલી થાય એ બાળક કદમાં નીચું રહી જવાનું વલણ જોવા મળે છે.
ડૉ. કાન્તોન સમજાવે છે, "જાતીય અંત:સ્રાવ હાડકાંની પરિપક્વતા માટે જવાબદાર હોય છે. તેથી તરુણાવસ્થા વહેલી શરૂ થાય, તો હાડકાંની પરિપક્વતા પણ ખૂબ ઝડપથી થાય અને તેનો વિકાસ પણ વહેલો અટકી જાય."
મોટા પાયે થયેલા વસતિ-આધારિત અભ્યાસોમાં એ પણ જાણવા મળ્યું છે કે તરુણાવસ્થાની વહેલી શરૂઆતનો સંબંધ હૃદય અને રક્તવાહિનીઓના રોગો તેમજ જાતીય અંત:સ્રાવ સાથે સંબંધિત કૅન્સર થવાનું જોખમ વધવા સાથે છે, જેમાં સ્તનનું અને ગર્ભાશયની આંતરિક સપાટી (એન્ડોમેટ્રિયમ)નું કેન્સર પણ સામેલ છે.
ડૉ. કાન્તોન કહે છે કે વહેલું નિદાન અને શક્ય તેટલી ઝડપથી સારવાર શરૂ કરવામાં આવે તો આ જોખમો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
તેઓ ઉમેરે છે, "અમે છેલ્લા ત્રણથી ચાર દાયકાથી આ પ્રકારની સારવારનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે ખૂબ અસરકારક છે."

ઇમેજ સ્રોત, Bruno Bernardi
શરૂઆતમાં ભય અનુભવ્યા છતાં માતા-પિતા લેઇઆ અને બ્રુનો એ જોઈને રાહત અનુભવે છે કે તેમની પુત્રીઓ હવે વધુ સામાન્ય બાળપણ માણી રહી છે.
લેઇઆ કહે છે, " લારામાં તરુણાવસ્થાની શરૂઆત થઈ ત્યારે તે વારંવાર પૂછતી કે આવું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? હું બીજી છોકરીઓથી અલગ કેમ છું? અને મારે શા માટે આ દવા લેવી પડે છે?"
તેઓ આશા રાખે છે કે પોતાનો અનુભવ વહેંચીને તેઓ અન્ય માતા-પિતામાં જાગૃતિ ફેલાવી શકશે અને જરૂર પડે ત્યારે વહેલી તકે તબીબી મદદ લેવાનું પ્રોત્સાહન આપશે.
ગેબી પણ આ વિષય પર ખુલ્લેઆમ વાત કરવા માટે પ્રતિબદ્ધ છે. તે સોશિયલ મીડિયા દ્વારા અન્ય લોકોને આ સ્થિતિ અંગેની શરમ અને સંકોચમાંથી બહાર આવવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.
તે કહે છે, "આ વિષય વિશે એટલી ઓછી માહિતી ઉપલબ્ધ હતી કે એ જોઈને મને થોડો ગુસ્સો આવતો હતો. ઘણા લોકો મારો સંપર્ક કરવા લાગ્યા, ત્યારે મને ખાતરી થઈ કે મારા જીવનના આ અનુભવને દુનિયા સાથે વહેંચવાનો મારો નિર્ણય સાચો હતો."
વિશેષ રિપોર્ટિંગ: પૌલા આદામો ઇડોએતા
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન






















