'અમેરિકા-ઈરાન સમજૂતી માનવા માટે ઇઝરાયલ બાધ્ય નહીં', ઇઝરાયલના મંત્રીએ આપ્યું નિવેદન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kobi Wolf/Bloomberg via Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચે ઘોષિત સમજૂતી પર ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગ્વિરની કડક પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમજૂતી "બાધ્યકારી નથી."
ઇતામાર બેન-ગ્વિરે ઍક્સ પર લખ્યું, "ટ્રમ્પની સમજૂતી માનવા માટે અમે મજબૂર નથી. ઇઝરાયલ અમેરિકાના આધીન નથી. અમે એક સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર છીએ."
તેમણે કહ્યું, "અમારી જવાબદારી ઇઝરાયલના નાગરિકો, આઈડીએફના સૈનિકો અને યહૂદી લોકો પ્રત્યે છે."
ઇઝરાયલના સુરક્ષા મંત્રી એ પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું કે ઇઝરાયલ કોઈ અસ્થિર દેશ નથી.
તેમણે કહ્યું, "અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે અમે અમેરિકાને પ્રેમ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આભારી છીએ, પરંતુ ઇઝરાયલ કોઈ 'બનાના સ્ટેટ' નથી. હું આ વાત વડા પ્રધાનને સતત કહેતો રહું છું અને તમામ મહત્ત્વની જગ્યાએ કરું છું."
તેમણે કહ્યું કે હિઝ્બુલ્લાહને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવું જોઈએ અને ત્યાં સુધી કોઈ પણ સમજૂતી પર રાજી ન થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે બેન-ગ્વિર ઇઝરાયલના કટ્ટર દક્ષિણપંથી નેતા છે. તેઓ હાલમાં જ ગાઝા તરફ રાહત સામગ્રી લઈ જતી હોડીના કાફલામાં સવાર પેલેસ્ટાઇન સમર્થક કાર્યકર્તા સાથેના વ્યવહારને લઈને ચર્ચામાં આવ્યા હતા.
ઈરાની સેનાએ શાંતિ સમજૂતી મામલે અમેરિકા-ઇઝરાયલ મામલે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચેની સમજૂતીની ઘોષણા બાદ ઈરાનની સૌથી મોટી સૈન્ય કમાન, ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરની પ્રતિક્રિયા આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ શીર્ષ સૈન્ય કમાને કહ્યું છે, "ઈરાની જનતા, દેશની સશત્ર સેનાઓ અને ક્ષેત્રમાં તહેરાનના સહયોગી સમૂહોએ અમેરિકા અને ઇઝરાયલને આ દેખાડી દીધું છે કે તેમની પાસે હારનો સ્વીકાર કરવા અને આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો."
ખાતમ અલ-અનબિયાનું આ નિવેદન ઈરાનની સરકારી ટેલિવિઝનના વલણ પ્રમાણેનું જ હતું.
ઈરાની સરકારી ટેલિવિઝન પણ આ સમજૂતીને ઈરાનની જીત તરીકે પેશ કરવાની કોશિશ કરી રહ્યું છે. સમજૂતીનો વિરોધ કરનારા કટ્ટરપંથી જૂથો તરફથી ઈરાનની અંદર વિરોધ વધી રહ્યો હતો.
સમજૂતીની ટીકા કરનારા કેટલાક લોકોએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી તથા સંસદના સ્પીકર બગર ગાલિબાફ પર ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ સાથે 'વિશ્વાસઘાત' કરવાનો આરોપ લગાવ્યો.
અરાઘચી અને ગાલિબાફે અમેરિકા સાથેની વાતચીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આયતુલ્લાહ અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરીના યુદ્ધના પહેલા જ દિવસે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા. તેનાં કેટલાંક સપ્તાહ પહેલાં ખામેનેઈએ કહ્યું હતું કે 'અમેરિકા સાથે વાતચીત બુદ્ધિમાની નથી. અને દેશની સમસ્યાઓનું સમાધાન તેનાથી નહીં થાય.'
અમેરિકાની સેનાએ ઓમાનના તટ પર બચાવવામાં આવેલા 14 ભારતીય ખલાસીને લઈને આ દાવો કર્યો

ઇમેજ સ્રોત, @CENTCOM
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ દાવો કર્યો છે કે તેણે રવિવારે ઉત્તર અરબી સમુદ્રમાં 14 ભારતીય ખલાસીને બચાવવામાં મદદ કરી હતી. સેન્ટકૉમે આ ઑપરેશન સાથે જોડાયેલું નિવેદન જારી રહ્યું છે.
આ પહેલાં ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે રૅસ્ક્યૂ ઑપરેશન ઓમાનના અધિકારીઓના સમન્વયમાં આસપાસમાં મોજૂદ જહાજો મારફતે ચલાવવામાં આવ્યું.
બાદમાં રવિવારે આજે જ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તમામ 14 ભારતીય ખલાસીઓને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. જ્યારે તેઓ 'જબલ અલી-9' પર સવાર થઈને મુંબઈ માટે રવાના થઈ ગયા છે.
સેન્ટકૉમે ડિફેન્સ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ (ડીવીઆઈડીએસ)ના એક નિવેદનમાં જણાવ્યું છે કે "અમેરિકાની નૌસેનાએ એક સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ હેલિકૉપ્ટરે 14 જૂને ઉત્તર અરબી સમુદ્રમાં 14 ભારતીય ખલાસીઓને બચાવવામાં મદદ કરી."
ઈરાન વચ્ચે ડીલની ઘોષણા બાદ ઑઇલની કિંમતોમાં ઘટાડો

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની ઘોષણા બાદ એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન ઑઇલની કિંમતોમાં ઘટાડો થયો છે.
ત્યાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ સમજૂતી અંતર્ગત સમુદ્રી માર્ગ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે.
ટ્રમ્પની આ જાહેરાત બાદ વૈશ્વિક ઑઇલ માનક બ્રેન્ટ ક્રૂડની કિંમત 3.8 ટકા ઘટીને 84.02 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. જ્યારે અમેરિકામાં કારોબાર થનારું ઑઇલ 4.1 ટકા ઘટીને 81.40 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું હતું.
પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે સમજૂતી પર અધિકારિક રીતે હસ્તાક્ષર 19મી જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, "ક્ષેત્રમાં ઑઇલની ફરી વખત અવરજવર નિર્વિરોધ શરૂ થશે."
28મી ફેબ્રુઆરીથી અમેરિકા તથા ઇઝરાયલ તરફથી ઈરાન પર હવાઈ હુમલા શરૂ થયાના કેટલાક સમય બાદ હોર્મુઝ પ્રભાવી રીતે બંધ હતું.
દુનિયાનું લગભગ 20 ટકા ઑઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગૅસ (એલએનજી)ની આપૂર્તિ સામાન્ય રીતે આ સમુદ્રી માર્ગ મારફતે થતી હતી.
હાલના મહિનામાં વૈશ્વિક ઊર્જા બજારોમાં ઑઇલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. યુદ્ધ શરૂ થવા પહેલાં ક્રૂડની કિંમત લગભગ 70 ડૉલર પ્રતિ બેરલ હતી. પરંતુ સંઘર્ષ દરમિયાન તેની કિંમત વધીને લગભગ 120 ડૉલર થઈ ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન






















