‘વિરોધ કરે એ વિદ્યાર્થીઓની ધરપકડ થાય છે, 30-40 દિવસ સુધી જામીન નથી મળતા’

ઇમેજ સ્રોત, NLIU Bhopal
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયને શનિવારે કહ્યું કે ભારતમાં અલગ-અલગ વિચારો માટેની વ્યવસ્થા સતત ઓછી થતી જઈ રહી છે.
તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પોતાના અધિકારો માટે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ધરપકડ કરી લેવામાં આવે છે અને તેમને જામીન પણ મળતા નથી. જો જામીન મળી પણ જાય, તો અદાલતો એવી કડક શરતો મૂકે છે, જે તેમની સ્વતંત્રતાને ગંભીર રીતે મર્યાદિત કરી દે છે.
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું હતું, જ્યારે કૉક્રોચ જનતા પાર્ટીનાં વિરોધપ્રદર્શનો બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, જેના પછી દિલ્હીના જંતર-મંતર પર ચાલુ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી.
લગભગ એક મહિના સુધી ચાલેલાં પ્રદર્શનોમાં 20 જુલાઈએ ‘સંસદ માર્ચ’ દરમિયાન મોટા પાયે હિંસા જોવા મળી હતી, જેમાં ઘણા પ્રદર્શનકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
જસ્ટિસ ભુયનના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકો તેને ભારતમાં અસહમતિના અવાજોને મર્યાદિત કરવામાં આવી રહ્યા હોવાની પુષ્ટિ તરીકે જોઈ રહ્યા છે.
વાસ્તવમાં, જસ્ટિસ ભુયને કહ્યું કે 'અસહમતિ વ્યક્ત કરવાની વૈધ રીતોને પણ હવે ગુનો' બનાવી દેવામાં આવે છે.
તેમણે સામાન્ય રીતે જામીન ન આપવાની અને જામીન આપ્યા બાદ પણ સ્વ-સેન્સરશિપ લાદવાની પ્રથાને લઈને ચિંતા વ્યક્ત કરી.
તેમણે ગંગા નદીના મધ્યમાં હોડીમાં ઇફ્તાર પાર્ટી કરનારા કેટલાક યુવાનોને જામીન ન મળવાના મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા.







