વિરાટના 'રેકૉર્ડ' પ્રદર્શન સામે ગુજરાત ટાઇટન્સની હાર, કોહલીએ આઇપીએલમાં આ નવા કીર્તિમાન સર્જ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલીએ આ મૅચમાં પોતાની આઇપીએલ કારકિર્દીની 66મી અર્ધસદી નોંધાવી હતી
વાંચવાનો સમય: 4 મિનિટ

શુક્રવારે બૅંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટચાહકોને રનોની રમઝટ સહિત રેકૉર્ડની ઝડી પણ જોવા મળી.

ગુજરાત ટાઇટન્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ન માત્ર 206 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી બતાવ્યો, પરંતુ આ સિલસિલામાં ટીમના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ એવી તો ઇનિંગ રમી કે એક પછી એક નવા કીર્તિમાન રચી દીધા.

આરસીબીએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે પ્રથમ બૅટિંગ કરતા આરસીબીને જીતવા માટે 206 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તેને આરસીબીએ વિરાટ સહિતની મજબૂત બૅટિંગ લાઇનઅપના બળે સાત બૉલ બાકી રહેતાં હાંસલ કરી લીધું.

ગુજરાત ટાઇટન્સની ટીમ સાઈ સુદર્શનની સદીના દમ પર મોટો સ્કોર બનાવી કમ્ફર્ટેબલ સ્થિતિમાં લાગી રહી હતી, પરંતુ વિરાટના તોફાને તેમનાં જીતનાં સપનાં તોડી નાખ્યાં.

સાઈ સુદર્શનની સદી એળે ગઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આઉટ થયા બાદ સાઈ સુદર્શન હતાશ મુદ્રામાં પેવેલિયન તરફ પાછા ફરતાં દૃશ્યમાન થાય છે.

ગુજરાતની ટીમે માત્ર ત્રણ વિકેટના નુકસાન પર 205 રન બનાવી લીધા હતા. 58 બૉલમાં બરાબર 100 રન ફટકારનારા સાઈ સુદર્શને પોતાની ધમાકેદાર ઇનિંગમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

આ સાથે જ તેઓ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી ગતિથી 2000 રન પૂરા કરનારા બૅટ્સમૅન બની ગયા. તેમણે આ કીર્તિમાન 47 ઇનિંગ રમીને હાંસલ કર્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂ્ર્વ વિસ્ફોટક બૅટ્સમૅન ક્રિસ ગેલના નામે હતો, તેમણે આ 48 ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો.

સાઈ સુદર્શન જોશ હેઝલવુડની ઓવરમાં તેમને જ કૅચ દઈ બેઠા અને 100 રનના સ્કોરે આઉટ થયા હતા.

ગુજરાત ટાઇટન્સ તરફથી કપ્તાન શુભમન ગિલ પણ 24 બૉલમાં 32 રનની ઇનિંગ રમીને આઉટ થયા, તેમજ બાદના બૅટ્સમૅન જોસ બટલર, વૉશિંગટન સુંદર અને જેસન હોલ્ડરે છેલ્લે ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડવામાં ભૂમિકા ભજવી અને અનુક્રમે 25, 19 અને 23 રન નોંધાવ્યા.

આરસીબીના બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો ભુવનેશ્વરકુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા ત્રણેયને એકેક વિકેટ મળી હતી.

વિરાટ કોહલીની 'રેકૉર્ડબ્રેક ઇનિંગ' અને આરસીબીની જીત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી,

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

206 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી આરસીબીની શરૂઆત અપેક્ષા પ્રમાણેની સારી નહોતી રહી શકી, ત્રીજી ઓવરના અંતિમ બૉલ પર ઓપનર જેકબ બેથલને મોહમ્મદ સિરાજે પેવેલિયન પરત મોકલીને ટીમને પ્રારંભિક ફટકો આપ્યો હતો. તેઓ દસ બૉલ રમીને માત્ર 14 રન જ બનાવી શક્યા હતા.

જોકે, આ મૅચમાં જીતના હીરો રહેલા વિરાટ કોહલીને પણ તેમણે રમેલા પ્રથમ બૉલ પર જ મિડ વિકેટ પર ઊભેલા વૉશિંગટન સુંદર તરફ પોતાનો કૅચ આપી બેઠા હતા, જોકે, સુંદર એ કૅચ ન ઝડપી શક્યા, જે કૅચ છેલ્લે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે ઘાતક નીવડ્યો હતો.

વિરાટ કોહલીએ જીવતદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને મેદાનમાં ચારે બાજુ જબરદસ્ત શોટ્સ ફટકાર્યા. તેમને દેવદત્ત પડીક્કલ સ્વરૂપે સામે છેડેથી પણ એક આક્રમક બૅટ્સમૅનનો સાથ મળ્યો. આ બંનેની જોડીએ માત્ર 59 બૉલમાં 115 રનની ઝડપી પાર્ટનરશિપ સાથે ટીમની જીતનો પાયો નાખ્યો.

વિરાટ કોહલીએ પોતાની ધુંઆધાર ઇનિંગના બળે ટીમને જીત અપાવવાની સાથોસાથ આઇપીએલમાં નવા કીર્તિમાન પણ સર્જ્યા, આ મૅચમાં તેમણે પોતાની આ 207મી આઇપીએલ મૅચમાં 800મી બાઉન્ડ્રી ફટકારી અને આ અંકને આગળ વધારી ઇનિંગ પૂરી થવા સુધી 807 પર લઈ ગયા. તેમના પછી આ યાદીમાં 768 બાઉન્ડ્રી સાથે શિખર ધવન બીજા ક્રમે છે.

ઉપરાંત વિરાટ કોહલી આ મૅચમાં 300 સિક્સર ફટકારનારા આઇપીએલના ઇતિહાસના ત્રીજા બૅટ્સમૅન બની ગયા, આ યાદીમાં તેઓ ક્રિસ ગેલ (357 છગ્ગા) અને રોહિત શર્મા (310 છગ્ગા)થી જ પાછળ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દેવદત્ત પડ્ડીકલ

વિરાટે આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 44 બૉલમાં 81 રનની ઇનિંગ રમી, આ સાથે જ તેઓ આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન બની ગયા અને ઑરેન્જ કૅપ હવે તેમની પાસે આવી ગઈ.

કેટલાક મીડિયા અહેવાલોમાં વિરાટ કોહલી આ મૅચમાં એક જ દેશમાં ટી20 ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કરનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.

આ ઉપરાંત ઇએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે વિરાટ કોહલીએ આ ઇનિંગ સાથે પોતાની 66મી આઇપીએલ ફિફ્ટી પણ નોંધાવી હતી. તેઓ સદી અને અર્ધ સદી બાબતે આઇપીએલમાં ટોચ પર છે.

વિરાટ કોહલીની સાથોસાથ દેવદત્તે પણ પોતાની બૅટિંગનો દમ આ મૅચમાં બતાવ્યો હતો, તેમણે 27 બૉલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા. તેમને રાશીદ ખાને બોલ્ડ આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા.

આ પછીની બીજી જ ઓવરમાં 81 રનની ઇનિંગ રમીને વિરાટ કોહલી જેસન હોલ્ડરના બૉલ પર 14મી ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા.

આ બંને બૅટ્સમૅનો આઉટ થયા ત્યાં સુધીમાં ટીમની જીતનો પાયો લગભગ નખાઈ ચૂક્યો હતો. વિરાટ કોહલી પછી ક્રીઝ પર આવેલા જિતેશ શર્મા ઉપરાંત રજત પાટીદાર પોતાના બૅટ વડે ઝાઝી કમાલ ન કરી શક્યા અને અનુક્રમે દસ અને આઠ રનના સ્કોરે આઉટ થઈ ગયા.

એ બાદ ટિમ ડેવિડ અને કૃણાલ પંડ્યાની ટીમે બાજી સંભાળી, કૃણાલ પંડ્યા ક્રીઝ પર આવ્યા ત્યારે ટીમને 27 બૉલમાં 33 રનની જરૂરિયાત હતી. એક તરફથી ટિમે એક છેડો સાચવી રાખ્યો તો કૃણાલે આ તકનો લાભ લઈ એવી તો ફટકાબાજી કરી કે માત્ર 12 બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 23 રન બનાવીને ટીમને 19મી ઓવરમાં જ જીત અપાવી દીધી.

ટીમની જીતના હીરો વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન