પીએમ મોદી ડૉક્યુમેન્ટરી : ગુજરાતના એનજીઓએ બીબીસી સામેનો માનહાનિનો કેસ પાછો ખેંચ્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના એનજીઓ 'જસ્ટિસ ઑન ટ્રાયલ' દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ડૉક્યુમેન્ટરી અંગે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બીબીસી) સામે નોંધાવવામાં આવેલો 10,000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
કાનૂની સમાચાર અને વિશ્લેષણ આપતી વેબસાઇટ 'બાર ઍન્ડ બૅન્ચ' અનુસાર, આ કેસ વર્ષ 2023માં દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
'જસ્ટિસ ઑન ટ્રાયલ' એનજીઓએ આરોપ લગાવ્યો હતો કે, "બીબીસીની બે ભાગની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'માં ભારતની પ્રતિષ્ઠા, ન્યાયતંત્ર અને પીએમ નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચાડે તેવી બાબતો દર્શાવવામાં આવી છે."
3 સપ્ટેમ્બરે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ તુષાર રાવ ગડેલાની કોર્ટમાં એનજીઓ તરફથી ઍડવોકેટ સિદ્ધાર્થ શર્મા હાજર રહ્યા હતા.
સિદ્ધાર્થ શર્માએ અદાલતને જણાવ્યું કે તેમને એનજીઓ તરફથી આ કેસ પાછો ખેંચવાની સૂચના મળી છે અને આ મામલે નવેસરથી કેસ દાખલ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
અદાલતે કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી અને કહ્યું કે કેસને "પાછો ખેંચાયેલો ગણીને રદ" કરવામાં આવે છે.
એનજીઓએ આ નિર્ણય અદાલત તરફથી કેસની કાનૂની માન્યતા અને સુનાવણી યોગ્ય હોવા અંગે વારંવાર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ નિર્ણય લીધો છે.
અદાલતે એમ પણ કહ્યું હતું કે કેસ 2023માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી વારંવાર સુનાવણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
15 એપ્રિલ 2026ના રોજ, અદાલતે વારંવાર સુનાવણી ટાળવાની માંગ કરવા બદલ ઓએનજીઓ પર 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
નેપાળમાં પૂર પીડિતો માટે રાષ્ટ્રીય શોક, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ઇમેજ સ્રોત, EPA
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં સોમવારે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નેપાળમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારી કચેરીઓ અને વિદેશમાં આવેલા નેપાળી મિશનોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ નમેલો રહેશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1355 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
ઘટનાના લગભગ બે અઠવાડિયા પછી પણ 5,000થી વધુ લોકો ગુમ છે. રાહત અને બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગી છે.
નૅશનલ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના અધિકારી ફણીન્દ્ર પૌડેલે રૉઇટર્સને જણાવ્યું હતું કે બચાવ અને શોધખોળ અભિયાન ચાલુ હોવાને કારણે સરકાર દ્વારા કોઈ સત્તાવાર કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સોમવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિના સહયોગીએ રૉઇટર્સને આ અંગેની માહિતી આપી હતી.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક મસ્જિદને ગેરકાયદેસર જાહેર કર્યા પછી તેને તોડી પાડવામાં આવતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે.
અખિલેશ યાદવે સોમવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે રાજ્યને સાંપ્રદાયિક માર્ગ પર લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અખિલેશ યાદવે કહ્યું, "ન્યાય માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે. 12 કે 13 કલાકમાં મસ્જિદને તોડી પાડવાની શું જરૂર હતી?"
"આ એક વિચારી-સમજીને કરાયેલું કાવતરું છે, જેના દ્વારા તેઓ સમગ્ર રાજ્યને અધિકારીઓ મારફતે સાંપ્રદાયિક માર્ગ પર લઈ જવા માંગે છે."
તેમણે કહ્યું, "તેમની પાસે મોંઘવારી અંગે કોઈ જવાબ નથી, આપવા માટે રોજગાર નથી, તેઓ રોકાણ આકર્ષવામાં સફળ થયા નથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ પ્રભાવ ઊભો કરી શક્યા નથી."
"જે વસ્તુઓ હતી તે તેઓ વેચી રહ્યા છે. આ સરકાર પોતાના લોકોને લાભ પહોંચાડવા માટે વસ્તુઓ વેચી રહી છે."
બીજી તરફ, ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાયે દાવો કર્યો છે કે તેઓ મસ્જિદ તોડફોડથી પ્રભાવિત લોકોને મળવા જઈ રહ્યા હતા અને પોલીસે તેમની અટકાયત કરી હતી.
તેમણે ઍક્સ પર જણાવ્યું કે હવે તેમને લખનૌમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને ભાજપ સરકારના ઇશારે કૉંગ્રેસ કાર્યકરો પર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
નેપાળ પૂરની દુર્ઘટનામાં મૃત્યુઆંક 1,355 પર પહોંચ્યો

ઇમેજ સ્રોત, RSS
નેપાળમાં આવેલા ભયાનક પૂરના 13મા દિવસે મૃત્યુઆંક વધીને 1,355 પહોંચ્યો છે.
પૂરની આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની યાદમાં નેપાળમાં સોમવારે રાષ્ટ્રીય શોક દિવસ મનાવાઈ રહ્યો છે.
ગયા અઠવાડિયે યોજાયેલી કૅબિનેટ બેઠકમાં પૂર દુર્ઘટનાના 13મા દિવસે રાષ્ટ્રીય શોકનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શોકના સમયગાળા દરમિયાન સમગ્ર નેપાળમાં આવેલા સરકારી કચેરીઓ તેમજ વિદેશોમાં સ્થિત નેપાળી રાજદ્વારી મિશનો ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમૅન્ટ ઑથૉરિટીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 1,355 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે અને તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, દોઢ લાખથી વધુ મુસાફરો ઍરપૉર્ટ પર ફસાયા

ઇમેજ સ્રોત, EPA
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં દેશનાં આઠ ઍરપૉર્ટ પર આશરે એક લાખ સિત્તેર હજાર મુસાફરો ફસાઈ ગયા છે. હાલ આ ઍરપૉર્ટ્સ પરથી ઉડાનોનું સંચાલન તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે.
રવિવારની સવારે જકાર્તાના સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટને સૌથી પહેલા બંધ કરવામાં આવ્યું હતું.
ઍરપૉર્ટના હવાઈ ક્ષેત્રમાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીની રાખ જોવા મળ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.
ઇન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ, 1,558 ઉડાનો મોડી ચાલી રહી છે.
સ્થાનિક સમય અનુસાર ઍરપૉર્ટ્સ સોમવાર સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્વાળામુખીનો વિસ્ફોટ શુક્રવારે મોડી રાત્રે શરૂ થયો હતો. બાદ આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપ જેવી સ્થિતિ સર્જાતી રહી હતી.
જ્વાળામુખીમાંથી લાવાના ફુવારા નીકળતા રહ્યા હતા અને જોરદાર વિસ્ફોટોના અવાજો પણ સંભળાતા રહ્યા હતા.
રવિવારે વહેલી સવારે વધુ બે વિસ્ફોટો થયા હતા.
પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ઉડાનોનું સંચાલન અટકાવવાના કારણે મુખ્યત્વે સિંગાપુરથી આવતી-જતી ઉડાનો સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
આ ઉપરાંત દોહા, સિડની અને કુઆલાલમ્પુર સહિતના અન્ય આંતરરાષ્ટ્રીય માર્ગોની ઉડાનો પણ અસરગ્રસ્ત બની છે.
દિલ્હી : હૉસ્ટેલ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન માર્કેટ વિસ્તારમાં પાંચ માળની હૉસ્ટેલની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આજે સવારે સાડા છ સુધીમાં છ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
દિલ્હીના એડિશનલ ડીસીપી અભિમન્યુ પોસવાલે પત્રકારોને જણાવ્યું હતું કે "અત્યાર સુધીમાં નવ બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને તેમને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે."
તેમણે કહ્યું, "ઇમારતના માલિક વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અમારી પાસે બધી માહિતી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. બેદરકારીનો કેસ નોંધવામાં આવશે."
દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "સ્થાનિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ 40-50 વર્ષ જૂની ઇમારત હતી, જેમાં એક ભોંયરું અને પાંચ ઉપરના માળ હતા. તેનો ઉપયોગ હૉસ્ટેલ તરીકે થતો હતો. ઘટના સમયે, ભોંયરામાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું."
અમેરિકા : મિયામી ઍરપૉર્ટ પર પ્લેન ક્રૅશ, પાંચનાં મોત

ઇમેજ સ્રોત, EPA
રવિવારે અમેરિકાના મિયામી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર એક કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું અને ક્રૅશ થયું હતું.
આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે લૅન્ડિંગ પછી એમેઝોન ઍરનું કાર્ગો પ્લેન રનવેથી આગળ નીકળી ગયું હતું અને ક્રૅશ થયું.
વિમાન લગભગ 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રનવે પરથી ઊતરી ગયું હતું.
બૉઇંગ 767-300 વિમાન અનેક વાહનો સાથે અથડાયું હતું, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ.
અકસ્માતની શરૂઆતની માહિતી મળ્યા પછી લગભગ 200 ફાયર ફાઇટર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ત્રણને સ્થાનિક ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બે અન્ય લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















