પંજાબમાં થયેલા કેટલાક હુમલાની જવાબદારી લેનાર તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન નામનું રહસ્યમય ઉગ્રવાદી જૂથ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
પાકિસ્તાનની સરહદ પાસે થયેલા ઘાતક હુમલા પછી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સહિતના ભારતીય અધિકારીઓ એક નવા ઉગ્રવાદી જૂથની તપાસ કરી રહ્યા છે.
ભારતના પંજાબમાં બે પોલીસકર્મીની હત્યાના હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (ટીટીએચ) નામનું આ જૂથ ચર્ચામાં આવ્યું છે.
તેનું નામ પાકિસ્તાનના તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જેવું જ છે, પરંતુ આ ટીટીએચને તેની સાથે કોઈ સબંધ નથી.
ભારતમાં આ સંગઠનનાં મૂળ, રચના અને સંભવિત પ્રભાવ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે અને એવું લાગે છે કે આ જૂથ પાસે કોઈ વ્યાપક માન્યતાપ્રાપ્ત મીડિયા આઉટલેટ પણ નથી.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 24 મેના રોજ પ્રકાશિત એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનસ્થિત શહઝાદ ભટ્ટી ટીટીએચ સંબંધી પ્રચાર તથા સંચાલન સાથે સંકળાયેલી મુખ્ય વ્યક્તિ હોવાનું ગુપ્તચર અને કાયદા અમલીકરણ એજન્સીઓને ટાંકીને ભારતીય મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું.
શહઝાદ ભટ્ટીની ઓળખ "ગૅંગસ્ટરમાંથી ઉગ્રવાદી બનેલી" વ્યક્તિ તરીકે આપવામાં આવી હતી અને તેણે ભારતીય પંજાબમાં અનેક કૃત્યો માટે જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તેમાં માર્ચ 2025માં જલંધરમાં ઇન્ફ્લુઅન્સર રોજર સંધુના ઘર પરના હુમલા, નવેમ્બર 2025માં સિરસામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ અને જાન્યુઆરી 2026માં અંબાલાના બલદેવનગર પોલીસ સ્ટેશનમાં કાર બૉમ્બવિસ્ફોટનો સમાવેશ થાય છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ નવમી જૂને એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે એનઆઇએએ પંજાબ તથા હરિયાણામાં શહઝાદ ભટ્ટી સાથે સંકળાયેલાં 18 સ્થળોએ તપાસ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસકર્તાઓનો આરોપ છે કે ટીટીએચ ઑનલાઇન નેટવર્ક, સોશિયલ મીડિયા ઝુંબેશ અને નબળા યુવાનોની ભરતીના પ્રયાસો દ્વારા પોતાના પ્રભાવને વધારવાના પ્રયાસ કર્યા છે.
ધ ન્યૂ ઇન્ડિયન ઍક્સપ્રેસે 22 ફેબ્રુઆરીના રોજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે આ ઘટનાઓની તપાસ દરમિયાન રાજ્યમાં કે ભારતમાં બીજે ક્યાંય પણ ટીટીએચની હાજરીની પુષ્ટિ ન થઈ હોવાનું પંજાબ પોલીસે જણાવ્યું હતું.
ધ વીકે 11 એપ્રિલના રોજ એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ટીટીએચ સાથે જોડાયેલા હેન્ડલર્સ સાથે કથિત રીતે કામ કરવા બદલ દેહરાદૂનના રહેવાસી વિક્રાંત કશ્યપની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથી બન્યો હતો અને તેને સંવેદનશીલ વિસ્તારોના નિરીક્ષણનું તથા ભીંતચિત્રો અને ઑનલાઇન ગતિવિધિઓ મારફત જૂથના નામનો પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
વિક્રાંત કશ્યપ "પાકિસ્તાન સાથે સંકળાયેલા ઉગ્રવાદી સંગઠનનું એકમાત્ર વ્યક્તિનું ઑપરેટિંગ મોડ્યુલ" ચલાવી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હુમલાના દાવા

ઇમેજ સ્રોત, X/VJSWRITER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફેબ્રુઆરીમાં પંજાબમાં પોલીસકર્મીઓની હત્યા સંબંધિત પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર ફરતા થયા ત્યારે આ જૂથને સૌપ્રથમ વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી.
આ જૂથે ગુરદાસપુર જિલ્લામાં આયોજિત હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એ હુમલામાં સરહદી ચોકી પર ફરજરત પંજાબ પોલીસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ કથિત દાવાઓની શોધ કે ચકાસણી બીબીસી મૉનિટરિંગ કરી શક્યું નથી.
આ વિસ્તારમાં જુલાઈ 2015માં લશ્કર-એ-તૈયબાએ પણ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. જાન્યુઆરી 2016માં પઠાણકોટ ઍરફોર્સ સ્ટેશન પર હુમલો કરવા માટે ઉગ્રવાદી સંગઠને જે માર્ગનો ઉપયોગ કર્યો હતો તેની નજીક આ વિસ્તાર આવેલો છે.
ટીટીએચ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા એક હુમલાનો એક વીડિયો પાકિસ્તાનમાંના હેન્ડલર્સને મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેને ઑનલાઇન પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ટીટીએચએ અમૃતસરના મજીઠા વિસ્તારમાં 24 મેએ ધોળા દહાડે એક અન્ય પોલીસ અધિકારીની હત્યા કરી હોવાનો આરોપ પણ છે.
ધ ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ, એ ઘટના પછી 'અલ-બુરાક સ્ક્વોડ'ના નામે એન્ક્રિપ્ટેટ પ્લૅટફૉર્મ પર ડિજિટલ પોસ્ટર બહાર પાડવામાં આવ્યા હતા.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ઘટનાના બે દિવસ પછી ટીટીએચએ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો.
પાકિસ્તાન સાથે કથિત સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સુરક્ષા અધિકારીઓને શંકા છે કે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) માટે ટીટીએચ એક પ્રોક્સી સંગઠન છે અને તે આઇએસઆઇના હેન્ડલર્સના આદેશ અનુસાર સીમા પારના વિસ્તારોમાં કામ કરે છે.
ન્યૂઝ વેબસાઇટ ધ પ્રિન્ટે પંજાબ પોલીસના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરકારી તંત્રને પડકારવા માટે આઇએસઆઇ ઘણા વચેટિયાઓનો ઉપયોગ કરે છે. ટીટીએચ નામનું કોઈ સંગઠન અસ્તિત્વમાં હોય તો તે આઇએસઆઇનો મુખવટો છે, જેનો હેતુ અશાંતિ ફેલાવવાનો છે, જેથી તેઓ તેમાં પોતાની સંડોવણીનો આસાનીથી ઇનકાર કરી શકે.
આવા જ પ્રકારનું એક સંગઠન તહરીક-એ-તાલિબાન કાશ્મીર ગયા વર્ષે બહાર આવ્યું હતું અને ભારતીય મીડિયાએ તેને આઇએસઆઇનો એક ફ્રન્ટ ગણાવ્યું હતું.
આ સંગઠને ભારતને નિશાન બનાવવાની ધમકી આપી હતી અને પાકિસ્તાનને હસ્તક્ષેપ નહીં કરવાની વિનંતી કરી હતી. તેને આઇએસઆઇ સાથે સંબંધ હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો.
તહરીક-એ-તાલિબાન કાશ્મીર અને ટીટીએચનો ઉદય ગયા મે મહિનામાં ભારત તથા પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષ પછી જોવા મળેલા વલણ સાથે સુસંગત છે. તે દર્શાવે છે કે ભારત વિરોધી જૂથો કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં હુમલાઓને વધારે તીવ્ર બનાવશે.
'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' સાથે કોઈ સ્પષ્ટ સંબંધ નથી

ઇમેજ સ્રોત, TELEGRAM
નવા રહસ્યમય જૂથ ટીટીએચનું નામ પાકિસ્તાનસ્થિત ટીટીપીને મળતું આવે છે, પરંતુ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ બન્ને તદ્દન અલગ-અલગ સંગઠનો છે. તેમની પ્રાદેશિક સ્પર્ધા એકમેકથી વિપરીત છે અને તેમની વચ્ચે કોઈ સંગઠનાત્મક સંબંધ નથી.
આ સંદર્ભે ટીટીપી અને ટીટીએચ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
જોકે, ટીટીએચનાં નિવેદનો, ટીટીપી દ્વારા ઉપયોગમાં લેવાતાં ફૉર્મેટ, ટેમ્પ્લેટ અને બ્રાન્ડિંગની અદ્દલ નકલ જેવાં છે.
આવા નકલી બ્રાન્ડિંગ, ખાસ કરીને કોઈ ઔપચારિક જોડાણનો દાવો કરવામાં આવતો નથી અને ટીટીપીએ ટીટીએચને માન્યતા આપી નથી ત્યારે ટીટીએચનાં નિવેદનો તેમજ આ ઉભરતા જૂથની વિશ્વસનીયતા, પ્રકૃતિ તથા જોડાણોનું મૂલ્યાંકન કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















