‘વિદ્યાર્થીઓએ મોદી સરકારની પોલ ખોલી નાખી’, સોનિયા ગાંધીએ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન પર શું કહ્યું?
કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે આરોપ લગાવતા કહ્યું કે સ્ટૂડન્ટ્સે જવાબદેહી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારની માગ કરી છે, પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ ‘કાયરતા અને બર્બરતા’થી આપ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે તેમણે કહ્યું, “સરકારે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યના નિર્માણ કરનારા નાગરિકોની જગ્યાએ રાષ્ટ્રના દુશ્મન સમજીને તેમની સાથે વ્યવહાર કર્યો છે.”
તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી છે. તેમનું કહેવું હતું કે દેશના વિદ્યાર્થીઓએ મોદી સરકારના 'દાવા અને દંભ'ને ખુલ્લા પાડી દીધા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે "વિદ્યાર્થીઓ સાથે ઊભું રહેવું અને તેમનાં ભવિષ્યની સુરક્ષા કરવી એ અમારી નૈતિક, રાજનીતિક અને સંવૈધાનિક જવાબદારી છે."
નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.
જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.